Placeholder canvas

મોરબી:મમુદાઢી હત્યા કેસમાં પકડાયેલા વધુ પાંચ આરોપીઓ 5 દિવસ રિમાન્ડ ઉપર

પકડાયેલા આરોપી પાસેથી 3 હથિયાર અને 13 જીવતા કાર્ટૂસ કબ્જે કર્યા, હજુ 3 આરોપીઓ ફરાર છે.

મોરબીમાં ઉર્ફે મમુદાઢી (મહમદ હનીફ કાસમાણી) પર સરાજાહેર અંધાધૂંધ ફાયરીગ કરી હત્યા પ્રકરણમાં પોલીસે વધુ પાંચ આરોપીઓને પકડી પાડયા છે. આ પાંચેય આરોપીઓના કોર્ટે 30મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ગત તા.7 સપ્ટેમ્બરે રાજકોટ તરફથી વ્યવહારિક કામ પતાવી ફોર્ચ્યુનર કારમાં પરત આવી રહેલ મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી અને તેમની સાથે રહેલા લોકોને આંતરી આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એજાજ આમદભાઇ ચાનીયા અને અજાણ્યા ચારેક ઈસમોએ ધાણીફૂટ ગોળીબાર કરવાની સાથે ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને તૂટી પડી મમુદાઢીની હત્યા કરી નાખી હતી.

ચકચારી હત્યા કેસમાં પોલીસે અગાઉ મુખ્ય સૂત્રધાર ગણાતા રફીકભાઈ રજાકભાઈ માંડવિયા સહિત પાંચ આરોપીઓને ઝડપીને જેલહવાલે કર્યા હતા. ત્યારે પોલીસે વધુ પાંચ આરોપીને ઝડપી લીધા છે. જેમાં મમુદાઢી હત્યા કેસમાં ફરાર રહેલા બાકીના આરોપીઓ રાજકોટથી જૂનાગઢ જવાના હોવાની બાતમીના આધારે મોરબી પોલીસે ગોંડલ ચોકડી પાસેથી આરોપીઓ ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનિયાં, અસલમ ઉર્ફે ટાવર અકબરભાઈ કલાડિયા, રમીજ હુસેનભાઈ ચાનિયા, કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ, સુનિલ ઉમેશભાઈ સોલંકીને ઝડપી લીધા હતા. પોલીસે આ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 30મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ સાથે પોલીસે આરોપી પાસેથી 3 હથિયાર અને 13 જીવતા કાર્ટૂસ કબ્જે કર્યા છે. હજુ 3 આરોપીઓ ફરાર છે.

આ સમાચારને શેર કરો