Placeholder canvas

આજે 27 માર્ચ એટલે “વિશ્વ રંગભૂમિ દિવસ”

▶️ અભિનય એટલે રંગમંચ ઉપર આપવાની પરીક્ષા

▶️ ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે,
ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે! -ગની દહીંવાલા

સમગ્ર વિશ્વમાં 27 માર્ચનો દિવસ “વિશ્વ રંગભૂમિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ 1961માં “આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન” દ્વારા કરવામાં આવ્યો હતો. રંગભૂમિનાં મૂળ વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. જે સૃષ્ટિ ઈશ્વરે રચી છે અને એમાં માણસ, અન્ય જીવો અને પ્રકૃતિ શ્વસે છે એનો સર્જનહાર ઈશ્વર આ રંગભૂમિનો સૂત્રધાર છે.  આપણે બધા તો રંગમંચની કટપૂતળીઓ સમાન છીએ જેમની ડોર ઈશ્વરનાં હાથમાં જ છે.

‘ભગવદ ગોમંડલ’ ગ્રથનાં આધારે માની શકાય કે પૂર્વ 1280માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયું ત્‍યારબાદ 1851માં નર્મદે ‘બુધ્‍ધિવર્ધક’ નામની સંસ્‍થા શરૂ કરી. એ જ અરસામાં શેકસપિયર કલબની સ્‍થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું માનવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહિ તેથી પુરૂષો જ સ્ત્રી પાત્રોનો અભિનય કરતા. એ પછી ધીમે ધીમે રંગમંચનું મહત્વ અને પ્રસિદ્ધિ વધતી ગઈ તેમ તેમાં બદલાવો આવતા રહ્યા. આજે જે રીતે રંગમંચ પર નાટકો ભજવાય છે તેને આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે.

મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. રંગમંચના કાર્યક્રમ લાઇવ હોય છે. જે થયું તે થયું જ. સ્‍ટેજ ઉપર ડાયરેકટ ટેઇક જ હોય છે. રીટેક થતો જ નથી. ગુજરાતી રંગમંચ પર ભજવાતાં નાટકો એ ગુજરાતી ભાષા અને સાહિત્ય વારસાનો એક અમૂલ્ય ભાગ છે. રંગમંચ પર સુખ અને દુઃખ, પ્રેમ અને ક્રોધ, વેર-ઝેર, તારું ને મારું ગૃહસંચાર, સમાજની વાસ્તવિકતા, માનવીનાં જીવન સાથે સંકળાયેલી અનેક બાબતો નાટકો રૂપી ભજવાય રહી છે. જ્યાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ પણ જીવે છે. ગુજરાતી રંગમંચ એ ગુજરાતી ભાષા અને સાહિત્યને બચાવવાનો એક પ્રયાસ છે. આજે પરિસ્થિતિ એવી છે કે વર્ષ દરમિયાન ગુજરાતી ભાષાના ખૂબ ઓછા નાટકો ભજવાય છે અને તેમાં પણ મુંબઈનાં આધુનિક નાટકો વધુ હોય છે. સિનેમા યુગની શરૂઆત થતા જ નાટક અને નાટ્ય મંડળીઓનો યુગ પુરો થયો હોય તેવુ લાગે છે તેમ છતાં આજે પણ કેટલીક  નાટ્ય મંડળીઓ અને નાટકનાં કલાકારો એ આ રંગમંચ ને જીવીત રાખ્યો છે. એથી વિશેષ આજે પણ એવી કેટલીક નાટ્ય મંડળીઓ છે જે ગામડે ગામડે જઈને વેશભૂષા ધારણ કરી નાટકો ભજવે છે. જે શેરી નાટકો તરીકે પણ ઓળખાય છે. રંગભૂમિ માટે કહેવાય છે કે, જાણ્‍યુ એટલું જાજું અને માણી એટલી મોજ પછી તો ક્યાં છે કશી ખોજ !

– મિત્તલ ખેતાણી

આ સમાચારને શેર કરો