આજે 27 ફેબ્રુઆરી, “વિશ્વ એન.જી.ઓ દિવસ”

દાન એ સર્વોચ્ચ ગુણ છે અને તે મહાન માધ્યમ છે, જેના દ્વારા માનવજાત પર ભગવાનની દયા થાય છે – કોનરેડ હિલટન
દર વર્ષે 27મી ફ્રેબ્રુઆરીએ “વિશ્વ એન.જી.ઓ દિવસ” ઉજવાવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે તમામ બિન-સરકારી અને બિનનફાકારક સંસ્થાઓ અને તેમની પાછળનાં લોકો કે જેઓ આખું વર્ષ સમાજમાં યોગદાન આપે છે તેમને ઓળખવા અને સન્માન આપવા માટે સમર્પિત છે. પ્રથમ “વિશ્વ એન.જી.ઓ દિવસ” 2014માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવ્યો હતો, જો કે પછીથી તેને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. એન.જી.ઓ એ સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે. યુનાઇટેડ નેશન્સ ચાર્ટરની કલમ 71 મુજબ એન.જી.ઓ ને “સરકારી પ્રભાવથી સ્વતંત્ર અને નફા માટે નથી” એવી કોઈપણ સંસ્થા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
તબીબી સહાય, નાણાકીય સેવાઓ, પર્યાવરણીય સંશોધન, શૈક્ષણિક સહાય અને કટોકટી સમયે એન.જી.ઓ વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે. તે આર્થિક, સામાજિક, શૈક્ષિણક, રાજકીય તેવા તમામ ક્ષેત્રોમાં મહત્વનો ભાગ ભજવે છે. સહયોગ અને નવીનતા દ્વારા ઉત્તેજિત, એન.જી.ઓ સ્વયંસેવકો દ્વારા વિકાસ કરે છે. જો કે, એન.જી.ઓ શહેરો માટે અદભૂત રોજગાર અને આર્થિક લાભો પણ પ્રદાન કરે છે.
આ દિવસ સખત મહેનત અને નિઃસ્વાર્થ સેવા પર વિચાર કરવાની તક આપે છે. વર્તમાન સમયમાં લાખો સ્વયંસેવકો, સામાજિક કાર્યકરો સમાજને તેમની સેવાઓ પ્રદાન કરે છે અને એક સ્વસ્થ સમાજનાં નિર્માણમાં મહત્વનો ફાળો આપે છે. કોરોના મહામારીનાં સમયે, લોકડાઉન વખતે પણ જયારે આખો દેશ શાંત હતો ત્યારે એન.જી.ઓ જ હતાં જે પૂર્ણપણે સક્રિય હતાં અને સમાજ સેવા તરફ અગ્રેસર હતાં. આવી સંસ્થાઓ નિ:સ્વાર્થ ભાવે લોકોની સેવામાં સતત કાર્યરત હોય છે અને આ રીતે દેશનાં વિકાસમાં મદદરૂપ થાય છે. -મિત્તલ ખેતાણી
