Placeholder canvas

મોરબીમાં રખડતા ઢોર કહે છે: “અમારી પાસે ગમે ત્યાં બેસવાનું-ફરવાનું લાયસન્સ છે”

મીરબીની જનતાને રખડતા ઢોરના ત્રાસથી મુક્ત કરવામાં નિષ્ફળ ગયેલી નગરપાલિકાને ઢંઢોળવા જાગૃત સંસ્થા દ્વારા નવતર વિરોધ

મોરબી : મોરબી શહેરમાં ઠેરઠેર રખડતા ઢોરનું વર્ચસ્વ વધી ગયું છે. થોડા સમય અગાઉ નગરપાલિકાએ રખડતા ઢોરને ડબ્બે પુરવાની ઝુંબેશ શરૂ કર્યા બાદ પાણીમાં બેસી જતા રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરને ડબ્બે પુરવામાં નિષ્ફળ ગયેલી પાલિકાને ઢંઢોળવા જાગૃત સંસ્થા દ્વારા નવતર વિરોધ કરાયો છે. જેમાં “અમારી પાસે મોરબીમાં ગમે ત્યાં બેસવાનું-ફરવાનું લાયસન્સ છે” તેવા બેનરો રખડતા ઢોરની પીઠ પર લગાવાયા છે.

મોરબી શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરના ત્રાસની ગંભીર સમસ્યા છે. શહેરના મુખ્ય માર્ગો સહિત તમામ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ છે. લગભગ દરરોજ આખલાયુદ્ધ થાય છે. આ આખલા યુદ્ધને કારણે લોકોને નાની મોટી ઇજા થાય છે. જો કે થોડા સમય અગાઉ તંત્રએ ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી હતી. પણ તંત્ર ફરી પાણીમાં બેસી જતા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે.

દરમિયાન રખડતા ઢોરના ત્રાસને દૂર કરવામાં નિષ્ફળ ગયેલી મોરબી નગરપાલિકાને ફરજનું ભાન કરાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્ટરી કે,ડી.બાવરવા સહિતના લોકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મોરબીમાં કેટલાક સ્થળે અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરની.પીઠ ઉપર અમારી પાસે મોરબીમાં ગમે ત્યાં બેસવાનું અને ફરવાનું લાયસન્સ છે ! લખેલા બેનરો લગાવી દેવામાં આવ્યા છે. તથા અમે રખડુ ઢોર નથી. તેવા કટાક્ષયુક્ત બેનેરો રખડતા ઢોરની પીઠ ઉપર લગાવી દઈને પાલિકા તંત્રને ઢોરને ડબ્બે પુરવા માટે નક્કર કાર્યવાહી કરવાનો મેસેજ આપ્યો છે.

કે.ડી.બાવરવાએ જણાવ્યું હતું કે આ બેનરોથી નગરપાલિકા તંત્રમા જો થોડી ઘણી લાજ-શરમ બચ્ચી હોય તો તત્કાળ શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવામાં કાર્યવાહી કરે તે માટે નવતર વિરોધ કરાયો હતો.

આ સમાચારને શેર કરો