Placeholder canvas

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો મેઘરાજા કયા વિસ્તારને ઘમરોળશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં ફરીથી ચોમાસું જામવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 સપ્ટેમ્બરથી એટલે આવતી કાલથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં આગામી 8 અને 9 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવાઇ છે. આ સાથે રાજ્યમાં એનડીઆરએફની 7 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

રાજ્યમાં પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 70 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. સોમવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં 2 ઈંચ, ઓલપાડમાં 1.7 ઈંચ, ગણદેવીમાં 1.1 ઈંચ અને તિલકવાડામાં 1.6 ઈંચ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના નસવાડીમાં પણ 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના રાજુલા અને માંગરોળમાં એક-એક ઈંચ અને ખાંભા તેમજ લાઠીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના વડગામ અને ધાનેરામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

વધુ વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં 8 NDRFની ટીમ રવાના કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્રમાં કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, સુરતમાં NDRFની ટીમ મોકલવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં 7 NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩ દિવસમાં દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. IMDએ પણ આ અંગે જણાવ્યું હતું કે, નૈઋત્યનું ચોમાસુ ફરી સક્રિય થવાનો સંકેત છે અને તેને કારણે દેશના વિવિધ ભાગમાં વ્યાપક વરસાદની શક્યતા છે. ઉત્તર મરાઠવાડા, ઉત્તર મધ્યપ્રદેશ, ઉત્તર કોંકણ, ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ 7થી 9 સપ્ટેમ્બરના ગાળામાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 8 સપ્ટેમ્બર અને તેલંગાણામાં 7 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે 7થી 9 સપ્ટેમ્બરના ગાળામાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારો, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, જમ્મુ, પૂર્વ રાજસ્થાનમાં વરસાદમાં વધારો થ‌વાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો