વાંકાનેર: હત્યાનું કારણભૂત તમાકુ! : તમાકુ ન આપ્યું એટલે બે શખ્સોએ યુવાનને પતાવી દીધો

વાંકાનેર : વાંકાનેર નજીક મચ્છુ નદીના પટમાથી ત્રણ દિવસ પહેલા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આ બનાવમાં ગઈકાલે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવ્યા બાદ મોરબી એલસીબીએ ધનિષ્ઠ તપાસ હાથ ધરીને આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસની તપાસમાં બે શખ્સોએ તમાંકું આપવાની ના પડવા જેવી નજીવી બાબતે યુવાનને પતાવી દીધો હોવાનું ખુલ્યું છે.પોલીસે હાલ આ બન્ને શખ્સોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર નવાપરા મચ્છૂનદીના પુલ પાસે દેવીપુજક વાસમાં રહેતા હસમુખભાઇ ઉર્ફે ટુંડારો ધનજીભાઇ માલકીયા ઉવ. ૩૫ નામના યુવાનની ત્રણ દિવસ પહેલા મચ્છુ નદીના પટમાથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ બનાવ અંગે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગઈકાલે મૃતકના ભાઈ નીતીનભાઈ ધનજીભાઇ માંડલીયા ઉ.વ. ૨૮ રહે. વાંકાનેર નવાપરા મચ્છૂનદીના પુલ પાસે દેવીપુજક વાસ વાળાએ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીના ભાઇ હસમુખભાઇ ઉર્ફે ટુંડારો ધનજીભાઇ માલકીયા ઉ.વ. ૩૫ ને કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણસર બોથડ પદાર્થથી ચહેરાના ભાગે મારી ચેહરો છૂંદી નાખી ચેહરો વિકૃત બનાવી દઈ ગંભીર પ્રકારની ઈજાઓ કરી હત્યા કરી નાખી હતી.

જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ આ હત્યાના આરોપીઓને ઝડપી.લેવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરી હતી.અને એલસીબીએ આ બનાવની મૂળ સુધી પહોંચીને યુવાનની હત્યા કરનાર વાંકાનેર સીટી સ્ટેશન રોડ ,અમરસિહજી હાઇસ્કુલની સામે ઝુંપડામાં રહેતા છગનભાઈ કરશનભાઈ વાઘેલા ઉ.વ.28 અને નરશીભાઈ વલ્લભભાઈ વાઘેલા ઉ.વ.24 ને ઝડપી લીધા હતા.બન્નેએ પોલીસની પૂછપરછમાં એવી કબૂલાત આપી હતી કે ,હત્યાના બનાવના દિવસે આ બન્ને આરોપીઓને તમાકું ખાવાની તલપ લાગતા તેમણે મૃતક યુવાન પાસે તમાકુંની માંગણી કરી હતી.પરંતુ મૃતક યુવાને તમાકું આપવાની ચોખ્ખી ના પાડી દેતા બન્ને શખ્સો ઉશ્કેરાયા હતા અને આવેશમાં આવી જઈને બન્ને શખ્સો યુવાનને માથા ,મોઢા અને શરીર પર પથ્થરના ઘા મારીને કુર હત્યા નિપજાવી હતી. હાલ તો પોલીસે આ બન્ને શખ્સોની ધરપકડ કરીને હત્યા પાછળ આ સિવાય અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો