વાંકાનેર: બાઉન્ડ્રી પાસેથી 27 લાખનો વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર પકડાયું
રાજકોટ રેન્જ આઇજીની સાઇબર સેલની કાર્યવાહી : એકની ધરપકડ
વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી રાજકોટ રેન્જ આઈજીની સાયબર સેલે રૂ. 27 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું છે. આ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. વધુમાં પોલીસ આ દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહની સૂચનાથી રાજકોટ રેન્જ સાયબર સેલના પી.આઈ. રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.પી.સી. સરવૈયા તેમજ ટીમના સુરેશભાઈ હુંબલ, કુલદીપસિંહ ચુડાસમા, શક્તિસિંહ ઝાલા તેમજ કૌશિકભાઇ મણવર વિગેરે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલનાકે બાતમી વાળી ટ્રકની વોચમાં હતા તે દરમિયાન તે ટ્રક ત્યાંથી પસાર થતાં રાજસ્થાનના ટ્રક કન્ટેનર નંબર RJ 14 GG 1547માં અંગ્રેજી દારૂના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવર આરોપી પ્રદીપ રતિલાલ પ્રજાપતિ રહે. રાજસ્થાન વાળાને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ મથકે લઇ આવવામાં આવ્યો હતો.
આ કન્ટેનરમાં કુલ ગેરકાયદેસર અંગ્રેજી દારૂની 603 પેટી કિંમત રૂપિયા 27,78,300 ટ્રક કિંમત રૂ. 15 લાખ, બે મોબાઇલ કિંમત રૂપિયા 1000 મળી કુલ રૂ. 42,79,300નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવેલ અને કોને આપવાનો હતો તે દિશામાં સાઇબર સેલે હાલ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ વાંકાનેર પોલીસે પકડાયેલા દારૂનો મીડિયા ઉપર પ્રતિબંધ ફરમાવી નાશ કર્યો હતો..!! પોલીસ સ્ટેશનમાંથી દારૂ ખાલી થયો ત્યાં જ વળી પાછો ૨૭ લાખનો દારૂ મોટો જથ્થો આવી પડ્યો છે.