Placeholder canvas

વાંકાનેર:વ્યાજની પેનલ્ટી ઉઘરાવવા માટે જાહેરમાં યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યો

વાંકાનેર: વ્યાજની રકમની પેનલ્ટી ઉઘરાવવા બાબતે એક યુવાનનું જાહેરમાં અપહરણ કરી પોતાની ઓફિસે લઇ જઇ આઠ જેટલા શખ્સો દ્વારા યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં તમામ આઠ શખ્સો વિરુદ્ધ વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ગુલશન પાર્કમાં રહેતા 21 વર્ષીય યુવાન અકીલ ઈસ્માઈલભાઈ વકાલીયાને બુધવારે આઠ જેટલા શખ્શો દ્વારા હાઈવે પર આવેલ રેલવેના પુલ પાસેથી વ્યાજની રકમની પેનલ્ટી ઉઘરાવવા માટે જાહેરમાં અપહરણ કરી પોતાના ઓફિસે લઇ જઇ ગોંધી રાખી ઢીકાપાટુ તથા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવમાં યુવાને આરોપી પાસેથી એક વર્ષ પહેલા 50,000 રૂપિયા 20 ટકા વ્યાજે લીધેલ હતા જેમાં યુવાન દ્વારા મૂળ રકમ સહિત વ્યાજ પણ પરત ચૂકવી આપેલ છતાં આરોપીઓ દ્વારા વધુ વ્યાજ પેનલ્ટીથી રકમની ઉઘરાણી કરવા યુવાનનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં યુવાન દ્વારા બ્રિજરાજસિંહ, સતુભા, મયુરસિંહ, કાદુ દરબાર અને ચાર અજાણ્યા શખ્સો સહિત કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તમામ આઠ વ્યાજખોર વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 365, 143, 147, 323, 504, 506(2), 135 તેમજ શાહુકાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર શહેર પી.આઈ. એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો