Placeholder canvas

વાંકાનેર: દલડી ગામ પાસે એક રીક્ષા ઊંડા ખાડામાં જઈ પડતાં, ડ્રાઇવરનું મોત

વાંકાનેર: ગતરાત્રે વાંકાનેર તાલુકાના દલડી ગામ પાસે એક નાલાની પાસે આવેલી ઊંડી ખાઈમાં રીક્ષા જઇ પડતા ઘટનાસ્થળે ડ્રાઇવરનું મોત થયું છે.

મળતી માહિતી મુજબ ગત રાત્રીના આશરે ૧૦ વાગ્યાની આસપાસ દલડી પાસે આવેલ તળાવની બાજુમાં રોડ ઉપર આવેલ નાલા પાસે સામેથી પુરપાટ સ્પીડે અને ફુલ હેડ લાઈટ સાથે આવતા ડમ્પરના કારણે રીક્ષા ચાલાક કરણ અર્જુન મનજીભાઈ (રહે. વાંકાનેર) એ રીક્ષા સાઈડમાં દબાવતા, નાલુ પૂરું થાય ત્યાં નાની દિવાલ ન હોવાના કારણે અને ડમ્પરની ફૂલ લાઈટથી અંજાઈ ગયેલા ડ્રાઈવરને આ ન દેખાતા નાલા પાસે આવેલ ૧૫ ફૂટના ખાડામાં રીક્ષા જઇ પડી હતી અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રસ્તા ઉપર બેફામ રીતે ડમ્પર ચાલી રહ્યા છે અહીંના સ્થાનિક આગેવાનો આક્ષેપ છે કે આ ડમ્પર સામે જવાબદાર અધિકારીઓ કે પોલીસ તંત્ર કોઈ પણ કાર્યવાહી કરતું નથી. છેલ્લા એક મહિનામાં આ રસ્તા ઉપર પાંચેક જેટલા એકસીડન્ટ થયા છે અને તેમાં સાત થી વધુના મોત થયા છે આમ છતાં તંત્ર હરકતમાં આવતું નથી અને ખનીજ ખાતા તેમજ પોલીસને બેફામ થતી ખનીજ ચોરી પણ દેખાતી કેમ નથી એવો લોકો સવાલ કરી રહ્યા છે.

આ નાલાની દિવાલ છેલ્લા પાંચેક વર્ષથી તૂટી ગઈ છે ત્યાર પછી બે વખત રોડ પણ બની ગયો આમ છતાં આ નાલાની દિવાલ નિંભર તંત્ર બનાવતું નથી જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે અને જે દેહશત હતી તેવું ગતરાત્રે બન્યુ. એક છકડા રિક્ષા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે તંત્ર જાગે અને આ નાલા ના છેડે દિવાલ બનાવી તેમજ બેફામ રીતે ચાલતા ડમ્પર અને નાખવા પોલીસ તંત્ર હરકતમાં આવે તેવી લોકોની માગણી છે.

આ સમાચારને શેર કરો