વાંકાનેર: ડેન્ગ્યુએ 15 વર્ષની આશાસ્પદ બાળકીનો ભોગ લીધો
વાંકાનેર : સરકારની આરોગ્ય વિષયક સેવાઓ કાગળ પર રુડી રૂપાળી અને સશક્ત લાગે છે પણ વાસ્તવિકતા તો એ છે કે સરકારી હોસ્પિટલોમાં સેવા-સુવિધાઓમાં ઘણી ખામીઓ છે. ક્યાંક અપૂરતો સ્ટાફ તો ક્યાંક માળખાગત સુવિધાઓનો અભાવ તો ક્યાંક પૂરતી દવાઓની કમી અને વધુમાં મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં સ્ટાફનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન સરકારી હોસ્પિટલોની ગુણવત્તામાં લાંછન લગાવતું હોવાનો મોટા ભાગના લોકોને અનુભવ હોય છે.
ગત વર્ષ અને ચાલુ વર્ષે રાજ્યમાં મચ્છરજન્ય ડેન્ગ્યુનો રોગચાળો વ્યાપક બન્યો છે. ડેન્ગ્યુને કારણે ઘણા મોત થયા છે. સ્વચ્છતાના અભાવે આ રોગચાળો વકરે છે એ તો સર્વ સ્વીકાર્ય હકીકત છે પણ ડેન્ગ્યુ થયા બાદ દર્દીને હોસ્પિટલમાં મળતી અપૂરતી કે અણઘડ સારવારને કારણે મોત થવાના કિસ્સાઓ વધ્યા છે. ત્યારે વાંકાનેરમાં ડેન્ગ્યુને કારણે 15 વર્ષીય એક આશાસ્પદ બાળકીનું અવસાન થતાં પરિવારમાં આક્રંદ છવાયો છે.
માહી દિલીપભાઈ પરમાર ઉં.વ.15 નામની બાળકીને ડેન્ગ્યુ થતા વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. અહીં પ્રાથમિક સારવાર બાદ આપી માહીને રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન માહીનું મોત નિપજતા પરમાર પરિવારમાં આક્રંદ સાથે શોક છવાઈ ગયો હતો.
ચાર માળની વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં વાંકાનેર શહેરની 50 હજારની વસ્તી ઉપરાંત આજુબાજુના લગભગ 100 ગામોના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે ત્યારે માત્ર 2 ડોક્ટરોના સહારે ચાલતી આ હોસ્પિટલમાં કેવી સારવાર થતી હશે એ સમજી શકાય છે. દર્દીઓના ઘસારાને પહોંચી વળવા પૂરતા સ્ટાફનો અભાવ હોવાને કારણે સામાન્ય જનને પીડાવવું પડે છે અને ઘણી વખત સ્વજનને ગુમાવવા પડે છે ત્યારે આરોગ્ય વિભાગ આ અંગે સંવેદનશીલતા દાખવે એ જરૂરી બની જાય છે. સંવેદનશીલ સરકારના સ્લોગન હોર્ડિંગો અને પ્રચાર માટે સારા લાગે પણ ધરતી પરની વાસ્તવિક પરિસ્થિતિ સુધરે તો જ સરકારની સંવેદના લોકો સુધી પહોંચી શકે. (By Hardevsinh Zala)