વાંકાનેરમાં જમીનનો દલાલ વ્યાજચક્રમાં ફસાયો,પઠાણી ઉધરાણી કરતા વ્યાજખોરો સામે ફરિયાદ…
વાંકાનેરમાં જમીન દલાલીનું કામ કરતા આધેડે વેપારમાં ખોટ જતા એક બાદ એક એમ કુલ સાત વ્યાજખોરો પાસેથી અલગ અલગ સમયે પૈસા વ્યાજે લીધા હતા અને ચામડાતોડ વ્યાજ ચૂકવ્યું હતું. છતાં પણ સાતેય વ્યાજખોરોએ વધુ રકમની પઠાણી ઉઘરાણી કરી હતી અને આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સમગ્ર મામલે આધેડે વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરી હતી.
મુળ લુણસર ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં નવા બસ સ્ટેન્ડની સામે આરોગ્યનગર ખાતે રહેતા અને જમીનની દલાલીનું કામ કરતાં ગેલાભાઇ ઉર્ફે વિનુભાઇ શીવાભાઇ સાપરાએ આરોપી જીતુભા નટવરસિહ ઝાલા, કૃષ્ણસિહ મંગળસિંહ ઝાલા ઉર્ફે કાદુ, હરેશ લખમણદાસ કટારીયા ઉર્ફે હરૂ, ગગજી હમીરભાઇ જોગરાણા, વિશાલસિંહ રામદેવસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ અને વિનુભા ઉર્ફે વિરેન્દ્રસિંહ નટુભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, સાડા ૩ વર્ષ પહેલા ગેલાભાઈએ ટીવીની દુકાન કરી હતી પરંતુ કોરોના આવતા વેપારમાં ખોટ જતા ઉઘરાણી નહીં આવતા ગેલાભાઈ ને રૂપિયાની જરૂર પડી હતી અને આર્થિક મુશ્કેલીને દૂર કરવા બાળકોને ફી ભરવા માટે તેમણે આરોપી જીતુભા નટવરસિંહ ઝાલા પાસે કુલ રૂપિયા ૧૭,૦૦,૦૦૦ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે ગેલાભાઈએ આરોપી જીતુભાને રૂ.૪૧,૭૦,૦૦૦ ચૂકવી દીધા હતા.
તારીખ ૦૪/૦૬/૨૦૨૧ના રોજ ગેલાભાઈએ આરોપી કૃષ્ણ મંગલસિંહ ઝાલા પાસેથી રૂ. ૧૭ લાખ વ્યાજ લીધા હતા. જેનું ૮૮% લેખે ગેલાભાઈ વ્યાજ ભરતા હતા અને આરોપી કૃષ્ણસિંહને કુલ રૂપિયા ૫૫,૯૬,૦૦૦ જેટલી માતબાર રકમ ગેલાભાઈએ ચૂકવી આપી હતી તા.૧૩/૧૦/૨૦૧૮ના રોજ ગેલાભાઈએ આરોપી હરેશ પાસેથી રૂ.૨૦ લાખ વ્યાજે લીધા હતા. તેની સામે ગેલાભાઈએ આરોપી હરેશને ૬ ચેક, સોનાનો ચેન-૧ ચાર તોલાનો કિ.રૂ. ૨ લાખનો તથા ધંધાના નફાની ૯ વિધા જમીન તથા વ્યાજના રૂપિયા ૧,૨૮,૦૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા.
તા.૧૩/૦૬/૨૦૧૮ના રોજ ગેલાભાઈએ આરોપી ગગજી પાસેથી કુલ રૂ.૧૨ લાખ ૨%ના વ્યાજે લીધા હતા જેની સામે ગેલાભાઈએ આરોપીને ગગજીને રૂ. ૧૯ લાખ ચૂકવી દીધા હતા. તા. ૦૧/૦૧/૨૦૧૮ના રોજ ગેલાભાઈએ આરોપી વિશાલસિંહ પાસેથી રૂ.૧૬,૫૦,૦૦૦ ૫%ના વ્યાજે લીધા હતા. જેની સામે ગેલાભાઈએ ૨૭,૬૪,૫૦૦ જેટલી રકમ ચૂકવી હતી. તા.૨૩/૦૨/૨૦૨૧ના રોજ ગેલાભાઈએ આરોપી નરેન્દ્રસિંહ પાસેથી રૂ.૪ લાખ ૫ % લેખે વ્યાજે લીધા હતા અને તેની સાથે ગેલાભાઈએ રૂ.૫,૫૮,૦૦૦ ચુકવી આપ્યા હતા અને તા.૩૦/૧૦/૨૦૧૯ના રોજ આરોપી વિનુભા પાસેથી ગેલાભાઈએ ૧૭,૫૦,૦૦૦ ૫ %ના વ્યાજે લીધા હતા. અને તેની સામે કુલ રૂ. ૨૯,૬૯,૦૦૦ ચૂકવી આપ્યા હતા.
તેમ છતાં આ તમામ આરોપીઓ અલગ અલગ રીતે ગેલાભાઈ પાસેથી તેની સહિવાળા કોરા ચેકો તેમજ રકમવાળા ચેકો બળજબરીથી કઢાવી લઇ તથા ગેલાભાઈની માલીકીની કારનુ સોદાખત કરાવી લઇ તેમજ ગેલાભાઈની માલીકીની જમીનનુ સોદાખત કરાવી કરાવી લઇ આજદિન સુધીમાં દરેક આરોપીઓએ ઉપરોક્ત અલગ અલગ રૂપીયાઓ ઉંચા વ્યાજે ફરીયાદીને આપી ૧૦ ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી લઇ ગેલાભાઈએ તે વ્યાજની રકમ ચુકવેલ હોવા છતા તેની પેનલ્ટી ચડાવી ગેલાભાઈને વધુ વ્યાજની રકમ માટે ગેલાભાઈના ઘરે તથા તેની ઓફિસે આવી અડીંગો જમાવી દબાણ કરી રુબરૂ અને ફોનમાં ગાળો આપી વ્યાજ નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગેલાભાઈની જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધુ વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી પઠાણી ઉઘરાણી કરી હતી.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.