વાંકાનેર: વ્યાજખોરોના બેખોફ આંતકથી કંટાળીને મહિકાના યુવાને ઝેર ગટગટાવ્યું

યુવાનને તાકીદે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો : વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીતા પહેલાં એસપીને ઉદેશીને લખેલો વિસ્તૃત પત્ર મળી આવ્યો

વાંકાનેર : વાંકાનેર શહેરમાં વ્યાજખોરો ફાટીને એટલી હદે ગયા છે કે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ન ભરવાના પગલાં ભરવા પડવા મજબૂર બનવું પડે છે. જેમાં વ્યાજખોરોના વધુ એક ત્રાસથી કંટાળીને એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને તાબડતોબ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જો કે યુવાને ઝેરી દવા પી લેતા પહેલાં એસપીને ઉદેશીને વ્યાજખોરોના જુલમો સિતમ અંગે લખેલો દર્દભર્યો પત્ર મળી આવ્યો હતો.

વાંકાનેર અને અન્ય વિસ્તારના વ્યાજખોરોના ત્રાસથી વાંકાનેર તાલુકાના મહિકા ગામના નજરુદિન બાદી નામના યુવાને આજે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં તેમને તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો બાદ તેમને વધુ સારવારની જરૂરિયાત પડતાં તેમને રાજકોટ રીફર કરવામાં આવેલ છે. આ યુવાને ઝેરી દવા પી લેતાં પહેલાં મોરબીના એસપીને ઉદેશીને વ્યાજખોરોના ત્રાસ અંગે લખેલો વિસ્તૃત પત્ર મળી આવ્યો હતો. જેમાં વાંકાનેર અને અન્ય શહેરોના વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ અને ચૂકવી આપેલ રકમના ઉલ્લેખ સાથે વ્યાજખોરો દ્વારા તેમને આપવામાં આવેલ માનસિક અને શારીરિક ત્રાસની નોંધ કરી પરિવારને પણ જાનથી મારી નાખવાની આપેલ ધમકીઓ અંગેના ઉલ્લેખ સાથેની મોરબી જિલ્લા પોલીસ વડાને ઉદેશી પોતાની જીંદગીની આખરી ચીઠી લખી કહેલ કે હું તો વ્યાજખોરોના ત્રાસથી મારી જિંદગીનો અંત લાવી રહ્યોં છું પરંતુ અન્ય નિર્દોષ લોકો આવા વ્યાજખોરોના ચક્કરમાં ન પડે તે માટે આ બધા પર યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરી હતી.

વાંકાનેર શહેર વિસ્તારમાં વ્યાજખોરોએ આતંક મચાવ્યો છે. છડેચોક પાનની દુકાન કરતાં વધુ ફાઇનાન્સની ઓફિસનો રાફડો ફાટયો છે. જેમાં પોલીસની ભાગીદારીની પણ ઓફિસો આવેલી હોવાની ચર્ચા છે. વાંકાનેરમાં અવારનવાર વ્યાજના ચક્કરમાં ફસાઈ યુવાનો અને વેપારીઓ અઘટિત પગલાંઓ ભરી રહ્યા છે પરંતુ આવા ગેરકાયદેસર ફાઇનાન્સની હાટડીઓ ચલાવતાં શખ્સો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેને પોલીસની ઢીલી નીતિ કહો કે આંખ આડા કાન પરંતુ હવે સમયની જરૂરિયાત છે કે મોરબી જિલ્લા પોલીસવડા અંગત રસ લઈ વાંકાનેર પંથકમાં ચાલતાં ગેરકાયદેસર વ્યાજ વટાવની ફાઇનાન્સની ઓફિસોની તપાસ કરે તો તેમના અંદાજ કરતાં વધુ વ્યાજખોરોનો આતંક બહાર આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર વિસ્તારમાં મહિનામાં સરેરાશ બે થી ત્રણ લોકો વ્યાજના વિષચક્રમાં ફસાઈ આવા પગલાં ભરી પોતાની જિંદગી તો બરબાદ કરે છે પરંતુ સાથોસાથ પરિવારને પણ નોંધારો કરી રહ્યા છે તેમ છતાં વાંકાનેર પોલીસના પેટનું પાણી પણ હલતું નથી અને વાંકાનેર વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતી ફાઇનાન્સની ઓફિસો કેમ પોલીસને દેખાતી નથી તે સો મણનો સવાલ છે.

આ સમાચારને શેર કરો