વાંકાનેર: બે શખ્સોએ વઘાસિયા ટોલબુથના કર્મચારીને ભડાકે દેવાની ધમકી આપી…!!

વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક આવેલ વાઈટ હાઉસ નામની ફેકટરીમાં ધમધમતું ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવ્યાનો ખાર રાખી વઘાસિયા ગામના બે શખ્સોએ અલ્ટો કારમાં ધસી આવી ટોલનાકાના સુપરવાઇઝરને ભડાકે દેવાની ધમકી આપી હું કહું તે ગાડી જવા દે જે નહિતર કચડી નાખીશ તેવી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકામા સુપરવાઈઝર તરીકે નોકરી કરતા દેવેન્દ્રસિંહ જયુભા ઝાલા ઉ.37 રહે.વઘાસિયા વાળાએ આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુભા જનકસિંહ ઝાલા રહે.બન્ને વઘાસિયા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બન્ને આરોપીઓ વઘાસિયા ટોલનાકે પોતાની નંબર વગરની અલ્ટો કાર લઈને આવ્યા હતા અને કહ્યું હતું કે, તે કેમ અમારું વાઈટ હાઉસ વાળું ટોલનાકુ બંધ કરાવ્યું ? હવે હું કહું એ વાહનો અહીંથી ટોલ ભર્યા વગર પસાર કરવા દેજે નહિ તો મારી પાસે કાયમ આ રિવોલ્વર ભેગી જ હોય છે ગમે ત્યાં ભડાકે દઈ દઇશ અથવા ગાડીમાં ચગદી નાખીશ તેવી ધમકી આપી ફડાકા મારી ઢીકા પાટુનો માર મારી છરી મારવા પ્રયાસ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વઘાસિયા ટોલનાકાની સમાંતર વાઈટ હાઉસ નામની બંધ પડેલી સિરામિક ફેકટરીમાંથી ગેરકાયદે ટોલનાકુ બનાવવામાં આવ્યુ હતું.

આ સમાચારને શેર કરો