skip to content

વઢવાણના ફૂલગામમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂની કરપીણ હત્યા.

સુરેન્દ્રનગર જિલ્લાના ફૂલગામ ગામે ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. ગામમાં પાડોશમાં જ રહેતા બે પરિવારો વચ્ચે એક મહિના પહેલાં ગટરના પ્રશ્ને થયેલી બોલાચાલી બાદ આજે પણ ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી આરોપીએ ચપ્પા વડે ત્રણ લોકો પર હુમલો કરી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વઢવાણના ફૂલગામમાં ભોગ બનનાર પરિવાર અને આરોપીનો પરિવાર સામસામે રહે છે. એક મહિના પહેલાં બંને પરિવાર વચ્ચે ગટરના પ્રશ્ને બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી આજે બપોરના સમયે ધર્મેન્દ્રભાઈ અને તેમનાં પત્ની દક્ષાબેન બહારથી આવ્યાં ત્યારે પાડોશમાં રહેતા અગરસંગ માતરણીયાએ ચપ્પા વડે બંને પર હુમલો કરી હત્યા નિપજાવી હતી. ઘટનાના પગલે ધર્મેન્દ્રભાઈના પિતા હમીરભાઈ દોડી આવતા આરોપીએ તેની પણ હત્યા કરી હતી.

ફુલગામમાં ધર્મેન્દ્રભાઈ અને દક્ષાબેનની હત્યા કરી દેવાતા તેમના દસ વર્ષના પુત્ર અને સાત વર્ષની પુત્રીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. તો 70 વર્ષીય વૃદ્ધ માતા પર પતિ, પુત્ર અને પુત્રવધૂ ગુમાવવાનું દુઃખ આવી પડ્યું છે. મેમકીયા પરિવારના ત્રણ સભ્યોની હત્યાના કારણે પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.

આ સમાચારને શેર કરો