ઉન્નાવ: પીડિતાને ગામની બહાર આરોપીઓએ કૅરોસીન છાંટીને જીવતી સળગાવી, હાલત ગંભીર
જામીન પર છૂટેલા દુષ્કર્મના આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી
ઉન્નાવ : સંભલમાં એક સગીરાને દુષ્કર્મ બાદ જીવતી સળગાવવાનો મામલો શાંત પણ નથી થયો કે ઉન્નાવમાં ફરી એક વાર માનવતા શરમમાં મૂકાઈ છે. અહીં ગુરુવારે એક દુષ્કર્મ પીડિતાને જામીન પર છૂટીને આવેલા આરોપીઓએ પોતાના ત્રણ સભ્યોની સાથે મળી જીવતી સળગાવી દીધી. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવતીને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડી, જ્યાં તેની હાલત ગંભીર જોતાં ડૉક્ટરોએ લખનઉના ટ્રોમા સેન્ટર રિફર કરી દીધી. મળતી માહિતી મુજબ, પીડિતા 80 ટકા સુધી દાઝી ગઈ છે.
થોડા દિવસ પહેલા જ યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ મામલામાં બે આરોપીઓને ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આજે યુવતી આ કેસની સુનાવણી માટે રાયબરેલી કોર્ટ જઈ રહી હતી. સવાર ચાર વાગ્યાની આસપાસ ગામની બહાર ખેતરમાં બંને આરોપી તથા તેના ત્રણ સાથીઓએ તેની ઉપર કૅરોસીન છાંટીને આગ લગાવી દીધી. તેની જાણ થતાં જ ગામમાં હોબાળો થઈ ગયો. ઘટના વિશે જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને જિલ્લા હૉસ્પિટલ સારવાર માટે પહોંચાડી. જ્યાંથી લખનઉ ટ્રોમા રિફર કરવામાં આવી છે.
ગંભીર રીતે દાઝી ગયેલી પીડિતાએ પોતાના નિવેદનમાં બંને આરોપીઓના નામ લીધા છે. મામલામાં પોલીસે કાર્યવાહી કરતાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મામલામાં પત્રકાર સાથે વાતચીત કરતાં ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.
પીડિતાને સળગાવવામાં આવી છે. તેને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેને લખનઉ રિફર કરવામાં આવી છે. મામલામાં કાર્યવાહી કરતાં ત્રણ આરોપી હરીશંકર દ્વિવેદી, શિવમ દ્વિવેદીની ધરપકડ કરવામાં આવી છે. એક અન્ય આરોપી ફરાર છે. પોલીસ તમામની કૉલ ડિટેલ્સ તપાસી રહી છે. અમે પીડિતાનું નિવેદન પણ લીધું છે જે કેસમાં ખૂબ મહત્વપૂર્ણ હશે. ડીજીપીએ જણાવ્યું કે, કોર્ટના આદેશ બાદ રાયબરેલીમાં આ કેસ નોંધાયો હતો.