સરકારે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, હું પરીક્ષાર્થીઓ સાથે છું -શંકરસિંહ વાઘેલા
ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનાં પેપરના સેન્ટરો ઉપર વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનું ઉમેદવારો પુરાવા સાથે કહી રહયા છે. તે છતાં, સરકારે કોઈ પગલાં નહીં ભરતા ગઇકાલે ત્રણ હજાર જેટલા ઉમેદવારો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શ માટે ઉમટી પડયા હતા. આ ઉમેદવારોએ આખો દિવસ અને આખી રાત ત્યાં જ વિતાવી હતી. જેના પગલે પોલીસ પણ દોડતી થઈ હતી અને ગૌણ સેવા પસંદગી મંડળ સહિત સરકારી કચેરીઓ આસપાસ સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેમાં 800થી વધુ યુવાનોને ડીટેઈન કરી અલગ અલગ સ્થળે મોકલી દેવાયા હતા. તોપણ આ ઉમેદવારોએ ચિમકી આપી હતી કે, જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.
આજે સવારે શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોને મળીને સાંત્વના આપીને જરૂર પડે તો હું સરકાર અને રાજ્યપાલની સાથે વાત કરીશ તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલે ગુજરાતભરમાંથી બિન સચિવાલયની પરીક્ષાનાં ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થયા હતાં. જેમાં તેમણે સરાકારને પુરાવા સાથે કહ્યું હતું કે, આ પરીક્ષામાં ગેરરીતિ થઇ છે પરંતુ સરકાર કંઇ સાંભળવા તૈયાર જ નથી અને જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે તેને હું વખોડી કાઢું છું. હું તમારી સાથે જ છું તમારે ક્યારે પણ મારી જરૂર પડે તો મને મળજો.
સરકારે યુવાનોનું જેમાં ભવિષ્ય સંકળાયેલું છે તેની ચિંતા કરવી જોઇએ. સરકારે તેમના માટે માબાપનો રોલ નિભાવવો જોઇએ. પરંતુ આ તો સાવ તેનાથી ઉલટું છું. હું બહાર હતો તો પણ આ લોકોની વ્યથા જોઇને હું આવ્યો છું. સરકારને જ્યારે આટલા બધા લોકો કહે છે કે, આ પરીક્ષામાં ચોરી થઇ છે, પેપર ફૂટ્યાં છે તો સરકારે ઉમેદવારોને બોલાવીને પૂછવું જોઇએ, પરીક્ષા ફરી લેવી પડે તો લેવી જોઇએ. આટલી વાર થઇ છે તો છ મહિના વધારે સમય લાગે. સરકારે સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને અને આગેવાનોને મળવા બોલાવવા જોઇએ. લોકતંત્ર છે તો તેમણે બધાનું સાંભળવું જ પડશે, આવું ન ચાલે.