skip to content

રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા બે કર્મચારીઓના મોત

રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા બે કર્મચારીઓના મોત નિપજ્યાના સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો છે. ભૂગર્ભની સાંકળી કુંડીમાં પડેલા બન્ને વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલાં જ સફાઈ કર્મી મેહુલ અને અફઝલે દમ તોડી દીધો હતો.

મળેલ માહિતી મુજબ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગોકુલધામ ગેટ સામે સમ્રાટ મેઈન રોડ પર આવેલી ભૂગર્ભ ગટરમાં ચોક સેફ્ટી ટેન્કની અંદર બે વ્યકિત ફસાઈ ગઈ હોય અને અંદર જ બેભાન થઈ ગઈ હોવાની માહિતી મળતા જ મવડી ફાયર બ્રિગેડના STO યોગેશ જાની, લી.ફા જયેશભાઇ, ફા.મેન સંજયભાઇ ગોહીલ જૂ.ફા ધીરુભાઈ, ડ્રા.ભવદીપભાઇ, ડ્રા.સંજયગીરી સહિતના દોડી ગયા હતા. ઉપરાંત ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા પણ દોડી ગયેલા. ભૂગર્ભની કુંડી સાંકળી હોય, અંદર બેભાન થયેલ વ્યક્તિઓને બહાર કાઢવા પડકાર જનક સ્થિતિ હતી. પણ આ તકે ફરજ પર રહેલ ફાયરમેન સંજયભાઈ ગોહિલ હિંમત પૂર્વક બીએ સેટ લગાવી ભૂગર્ભ ગટરમાં ઉતર્યા હતા અને અંદર બેભાન થયેલ બન્ને વ્યક્તિને રસ્સા બાંધી ઉપરથી અન્ય ફાયર સ્ટાફે બન્ને સફાઈ કર્મીને બહાર કાઢ્યા હતા અને તે પછી સંજયભાઈ પણ હેમખેમ બહાર નીકળ્યા હતા.

સફાઈ કર્મીના નામ અફઝલ અને મેહુલ હોવાનું જાણવા મળેલ આ તરફ બનાવના પગલે 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ ખડે પગે રહેલો. અફઝલ અને મેહુલને બેભાન અવસ્થામાં જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં હાજર તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. મેહુલ અને અફઝલ બન્ને મનપાની ભૂગર્ભ ગટરમાં ઉતર્યા પછી અચાનક જ ઝેરી ગેસની અસર થતા બન્ને બેભાન થઈ ગયા હતા, તબીબોએ મૃત જાહેર કર્યા કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, બનાવના પગલે ચકચાર મચી ગઇ છે. આધુનિક સાધનો હોવા છતાં શા માટે બન્ને કર્મચારીઓને સેફટી ભૂગર્ભ ટેન્કમાં ઉતારવામાં આવ્યા? આ સવાલ સાથે મનપા ઇન્કવાયરી કરાવે તેવી શક્યતા છે.

આ સમાચારને શેર કરો