Placeholder canvas

રાજકોટઃ સ્કૂટરના આગળના ભાગે રાખેલ રૂ.2 લાખ ભરેલો થેલો લઈ બે બાઈક સવાર ફરાર

રાજકોટમાં દિન દહાડે ચિલ ઝડપની ઘટના બની છે જેમાં કમિશન એજન્ટે સ્કૂટરના આગળના ભાગે રાખેલ રૂ.2 લાખ ભરેલો થેલો લઈ બે બાઈક સવાર ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સાધુ વાસવાણી રોડ પરના ગોપાલ ચોક નજીક આ બનાવ બન્યો હતો. પોલીસે બન્ને બાઈક સવારને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

મળેલ વિગત મુજબ આ અંગે રૈયા ગામ પાસે સવન સીમ્ફની એપાર્ટમેન્ટમાં રહેતા અને આલાપ ગ્રીન સિટી પાસે સવન સિગ્નેટ કોમ્પલેક્ષમાં વિરલ ટ્રેડિંગ નામેં ખોળ – કપાસિયાનું કમિશન પર વેચાણ કરતા હરેશભાઈ કક્કડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સાંજે પાંચ વાગ્યા આસપાસ તેઓ ઘરે હતા ત્યારે ઓફિસેથી તેમના પુત્ર વિરલનો ફોન આવ્યો હતો કે, ગોંડલની યમુના ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી કમિશન પેટેના રૂ. 2 લાખ ઇન્દિરા સર્કલ પાસે આવેલી પી.એમ. આંગડિયા પેઢીમાં આવેલા છે.

હરેશભાઇ આ 2 લાખ રૂપિયા લેવા માટે પોતાની સ્કૂટી પેપ પર ગયા હતા. ત્યાંથી તેઓ એક બેગમાં રૂપિયા લઈને નીકળ્યા હતા. સાંજે 5.20 વાગ્યા આસપાસ તેઓ સ્કુટરમાં આગળના ભાગે બે પગ વચ્ચે બેગ રાખી જઈ રહ્યા હતા ત્યારે સાધુ વાસવાણી રોડ નજીક આવેલા ગોપાલ ચોક પાસે એક બાઈક પર બે સવાર શખ્સો ચાલુ બાઈકે તેમની નજીક આવ્યા હતા અને બાઈકમાં પાછળના ભાગે બેઠેલા શખ્સે નજર ચૂકવી સ્કુટરમાં આગળ રાખેલા બેગની ચિલ ઝડપ કરી હતી અને બન્ને બાઈક સવાર ફરાર થઈ ગયા હતા.

જેથી હરેશભાઇએ પોતાનું સ્કૂટર તે બાઈક પાછળ કર્યું હતું પરંતુ સાધુ વાસવાણી રોડ પર આ બાઈક કઈ તરફ ગયું તે તેમને ખ્યાલ ન રહ્યો. બાદમાં તેઓએ પુત્રને ફોન કરી જાણ કરી હતી અને પોતાની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં સગા-સંબંધીઓ સાથે વાતચીત કરી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસના પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી. જાડેજા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. ઉપરાંત ઓફિસે પહોંચીને પણ પોલીસે પૂછપરછ કરી હતી. હરેશભાઈએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, આરોપીઓના બાઈકમાં નંબર ન હતાં. તેણે પીછો પણ કર્યો હતો.

પરંતુ બન્ને આરોપીઓ ગોપાલ ચોક પાસે આવેલા પેટ્રોલપંપથી સાધુ વાસવાણી રોડ તરફ જઈ ગુમ થઈ ગયા હતાં. બાઈક ચાલકે કાળા કલરનું પેન્ટ અને શર્ટ પહેર્યો હતો. પાછળ બેઠેલા શખ્સ સફેદ કલરનું પેન્ટ અને કાળા કલરનો શર્ટ પહેર્યો હતો. બન્નેની ઉંમર આશરે 20 થી 22 વર્ષની હતી, પાછળ બેઠેલા શખ્સના વાળ લાંબા હતા.
યુનિવર્સિટી પોલીસે ફરિયાદ પરથી બે અજાણ્યા બાઈક ચાલકો સામે આઈપીસી કલમ 379(એ)(3) અને 114 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અંગે પીએસઆઈ એ.બી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

આ સમાચારને શેર કરો