Placeholder canvas

વાંકાનેર: બે સ્કોર્પિયોમાં હથિયારો સાથે ડૉક્ટરને લૂંટવા આવેલ પરપ્રાંતિય ગેંગને પોલીસે ઝડપી પાડી…

વાંકાનેર સિટી પોલીસે મળેલ ખાનગી બાતમીને આધારે ગત મધ્યરાત્રિના વાંકાનેર શહેર નજીકથી ચોરી, લૂંટ, ધાડ પાડવા તથા અપહરણ સહિતના કોઈ મોટા ગુના તથા વાંકાનેર ખાતે આવેલ અમદાવાદના એક ડોક્ટરને લુંટવા માટે પિસ્તોલ, જીવતાં કારતૂસ, મેગ્ઝીન, એરગન, છરી, ધોકા સહિતના હથિયારો સાથે આવેલ બે સ્કોર્પિયો કારમાં ફરતી એક ગેંગને તે કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ ઝડપી પાડી હતી.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને ખાનગી બાતમી મળી હટી કે, એક ગેંગ કે જે મોરબી, રાજકોટ, જામનગર વિસ્તારમાં લુટ, ધાડ પાડવા માટે ફરે છે, જે વાંકાનેર વાણંદ સમાજની વાડીમાં અમદાવાદથી આવેલ ડો. ભરતસિંહ રાજપૂત કે જે મૂળ અમદાવાદના હોય તેઓને ત્યાં બે કાળા કલરની સ્કોર્પીઓ કારમાં આવી આ ડોક્ટરને લુંટવા માટે, ધાડ પાડવા પ્રાણઘાતક હથિયાર સાથે આટાફેરા કરી વાંકાનેરમાં હોય અને જો લુંટ, ધાડ પાડવામાં સફળ ન થાય તો આ ડો. ભરતસિંહ રાજપૂત પાસેથી મોટી રકમ વસુલવાના ઇરાદે તેનું અપહરણ કરી તેને ડરાવી ધમકાવી તેની પાસેથી ખંડણી વસૂલવાના છે, તે બે સ્કોર્પીયો કાર પૈકી એક નંબર પ્લેટ વગરની તથા એક GJ 27 ED 0080 વાળી છે.

આ બાતમીને આધારે પોલીસે ગત રાત્રીના ૦૧:૧૫ વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટ રોડ પર ગોકુલ નગર પાસે વોચ ગોઠવતા આ બંને ગાડીઓ ત્યાંથી નિકળતા બંને ગાડીને રોકી તલાશી લેતા સ્કોર્પીયો નં GJ 27 ED 0080 માં બેઠેલ ચાર ઇસમોમાં ૧). રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૫, રહે. પીપરડી, તા. જામકંડોરણા)ના પેન્ટના નેફામાંથી પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ, ૨). સિધ્ધાર્થ ઉર્ફે રોહીત ફૂલાભાઇ સાબળે(ઉ.વ. ૩૦, રહે. અમદાવાદ, મૂળ રહે. જલગાવ, મહારાષ્ટ્ર) પાસેથી ત્રણ મોબાઇલ, એક જીયો કંપનીનું ડોંગલ તથા એક છરી, ૩) રાજેશ કેદારપ્રસાદ રામાણી(ઉ.વ. ૩૩, રહે. મુંબઇ, મુળ ઉત્તરપ્રદેશ) પાસેથી મોબાઇલ અને અણીદાર છરી અને ૪) સાંઇ ઉર્ફે સુર્યા સુનિલ સકટ (ઉ.વ. ૨૩, રહે. મુંબઇ) પાસેથી એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ આ સાથે જ સ્કોર્પિયોમાંથી લાકડાનો ધોકો તથા પિસ્તોલનું ખાલી મેગ્ઝન મળી આવેલ.

જ્યારે બીજી એક નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો ગાડીમાંથી પોલીસે આરોપી ૫). કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર, ૬). વિશાલ નારાયણ સોનવણે (ઉ.વ. ૨૬,રહે. અમદાવાદ મુળ રહે. જલગાવ, મહારાષ્ટ્ર) પાસેથી મોબાઇલ તેમજ એક લોખંડની છરી, ૭). વરૂણ ઉર્ફે ગોલ્લુ સંજય શર્મા (ઉ.વ. ૨૦, રહે. મુંબઇ, મુળ રહે. ઉત્તરપ્રદેશ)પાસેથી છરી અને ૮). અનીલ ઉર્ફે અલબર્ટ લાહાનીયા ઝુંબલ (ઉ.વ. ૨૩, રહે. મુંબઇ) પાસેથી એક કાળા કલરની એરગન મળી આવેલ…

જેથી પોલીસે આ બનાવમાં ઝડપાયેલ આરોપીઓ પાસેથી એક પીસ્તોલ (કિ.રૂ. ૧૦,૦૦૦), 6 જીવતા કાર્ટીસ (કિ.રૂ. ૬૦૦), એક ખાલી મેગ્જીન (કિ.રૂ.૧૦૦), એક એરગન (કિ.રૂ. ૫૦૦), 4 છરી (કિ.રૂ. ૨૦૦), બે લાકડાના ધોકા તથા આઠ મોબાઇલ ફોન (કિ.રૂ. ૪૦,૦૦૦), એક જીયો કંપનીનું ડોંગલ (કિ.રૂ. ૧૦૦૦) તથા બે સ્કોર્પીયો (કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦) સહિત કુલ રૂ. 25,52,400 ના મુદામાલ સાથે આઠ શખ્સોની ધરપકડ કરી તમામ સામે ઇ.પી.કો. કલમ ૩૯૯, ૪૦૦, ૪૦૨, ૩૪, ૧૨૦, ૧૨૦બી, તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)એ તથા જીપીએકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

આ સમાચારને શેર કરો