રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાની તિલક વિધિના કાર્યક્રમની આજથી શરુઆત
રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો રાજ તિલક આગામી 30 જાન્યુઆરીના રોજ થશે. જોકે આજથી જ આ તિલક વિધિ સમારોહની શરૂઆત થઇ ચૂકી છે. તિલક વિધિની શરૂઆત માંધાતાસિંહ જાડેજાએ પોતાના કુળદેવીના મંદિરે દર્શન કરીને કરી હતી.
રાજકોટના પેલેસ રોડ ખાતે માં આશાપુરાનું વર્ષો જૂનુ મંદિર આવેલું છે. આ મંદિર રાજકોટના રાજવી પરિવાર દ્વારા જ બનાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે રાજકોટના સોળમાં ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા પોતાની રૂમની બારીમાંથી પોતાની કુળદેવીના ગર્ભગૃહના દર્શન કરી શકે તે પ્રકારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દેહ શુદ્ધિની વિધિ શરૂ થાય તે પહેલા માંધાતાસિંહ જાડેજા પોતાના પુત્ર સાથે વિન્ટેજ કારમાં રણજીત વિલાસ પેલેસથી આશાપુરા માતાના મંદિરે પહોંચ્યા હતા.
માંધાતાસિંહ જાડેજા જ્યારે પોતાની કુળદેવીનાં દર્શને પહોંચ્યા ત્યારે તેઓએ કેસરીયો ધારણ કર્યો હતો. પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે કુળદેવી આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી આજથી શરૂ થનાર શુભ પ્રસંગો કોઈપણ જાતના વિધ્ન વગર પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
તો સાથોસાથ હિન્દુ ધર્મમાં મંદિરની પ્રદક્ષિણાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તે જ પ્રકારે માંધાતાસિંહ જાડેજાએ પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે પ્રદિક્ષણા પણ કરી હતી.