Placeholder canvas

ગુજરાત સરકાર ઈ-વ્હીકલ ખરીદવા માટે સબસીડી આપશે.

ગુજરાતમાં વાયુ સહીતના પ્રદૂષણ ઘટાડવાના રાજય સરકારના નિર્ણય વચ્ચે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નવી ગુજરાત ઈલેકટ્રીક વ્હીકલ પોલીસીની જાહેરાત કરતા જણાવ્યું કે આગામી ચાર વર્ષમાં રાજયમાં બે લાખથી વધુ ઈ વ્હીકલ દોડવા માંગે તે સરકાર જોવા માંગે છે. એટલું જ નહી ગુજરાતમાં ઈ વ્હીકલના ઉત્પાદન અને તેની આનુષાંગીક સાધન સામગ્રી માટે પણ ગુજરાત મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની સરકારની નીતિ છે.

રાજયમાં નવી નીતિની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ ઈ વ્હીકલના ઉપયોગને વધારવા માટે ટુ વ્હીલર માટે રૂા.20 હજાર, થ્રી વ્હીલર માટે રૂા.50 હજાર અને ફોર વ્હીલર માટે રૂા.1.50 લાખ સુધીની સબસીડી આપવામાં આવે અને તે માન્ય વિક્રેતા પાસેથી ખરીદાયા બાદ સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઈ વ્હીકલની સાથે રાજયમાં તમામ પેટ્રોલપંપ પર ચાર્જીંગ સ્ટેશનની મંજુરી અપાશે.

હાલમાં ઈ વાહનોના બેટરી ચાર્જીંગ માટે 278 ઉપરાંત વધુ 250 ચાર્જીંગ સ્ટેશનનું વ્યાપક ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરાશે. ઉપરાંત હાઉસીંગ અને કોમર્સીયલ બાંધકામોમાં ચાર્જીંગની વ્યવસ્થા ઉભી કરાશે. મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ રીતે જાહેર કર્યુ કે આરટીઓ દ્વારા માન્ય ઈ વ્હીકલની નોંધણી ફી માં 100 ટકાની મુક્તિ અપાશે. સરકાર દ્વારા આ ઉપરાંત પ્રાઈવેટ કે કોમર્સીયલ કોઈપણ પ્રકારના વાહનને આ સબસીડી આપવામાં આવશે.

ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા ઈ વ્હીકલ યોજના હેઠળ જે લાભ અને પ્રોત્સાહનો મળે છે તે ઉપરાંતના આ પ્રોત્સાહન ગણાશે. આજે ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદમાં વાહનવ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ, ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની હાજરીમાં આ પોલીસીની જાહેરાત કરતા જણાવ્યું કે ઈ વ્હીકલ ગુજરાતમાં ઉત્પાદન કરવા માટેની પણ ખાસ યોજના ઉદ્યોગ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. સરકાર ચાર્જીંગ સ્ટેશન તથા બેટરી સ્વેપીંગ વ્યવસ્થા માટે ખાસ મૂડી સહાયતા પણ કરશે.

દેશના અન્ય કોઈ રાજય કરતા ઈ વ્હીકલની જે સબસીડી છે તે પ્રતિ કીલોવોટ બમણી છે. મુખ્યમંત્રીએ એ પણ જાહેરાત કરી કે આગામી ચાર વર્ષમાં બે લાખ ઈ વ્હીકલ ગુજરાતમાં દોડતા થશે તેનાથી અંદાજે રૂા.પાંચ કરોડ નો ઈંધણની બચત થશે. જયારે છ લાખ જેટલું કાર્બન ઉત્સર્જન પણ ઘટશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઈલેકટ્રીક મોબીલીટી માટે રાજય સરકાર સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન કરશે. આગામી સમયમાં 1.10 લાખ ટુવ્હીલર 70 હજારથી વધુ થ્રી વ્હીલર અને 20 હજાર જેટલા ફોરવ્હીલર ગુજરાતમાં ઈ વ્હીકલ તરીકે દોડતા થાય તે સરકારનો સંકલ્પ છે. આ પોલીસીનું આયોજન અને અમલ વાહનવ્યવહાર વિભાગને સોંપવામાં આવ્યું છે.

બેટરી સ્વેપીંગ, ચાર્જીંગ સેન્ટર માટે 25 ટકા કેપીટલ સબસીડી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત સરકારની ઈલેકટ્રીકલ વ્હીકલ પ્રોત્સાહન યોજના હેઠળ ગુજરાતમાં 278 ચાર્જીંગ સ્ટેશન ઉભા થયા છે. રાજય સરકાર આ ઉપરાંત 250 નવા ચાર્જીંગ સ્ટેશન ઉભા કરશે અને રૂા.10 લાખની મર્યાદામાં 25 ટકા જેટલી કેપીટલ સબસીડી અપાશે. સરકાર બેટરી સ્વેપીંગ એટલે કે ચાર્જ થયેલી બેટરી લઈને વાહનની બેટરી ચાર્જ કરવા આપવાની સુવિધા પણ અપાશે.

કેટલી કિંમત સુધીના વાહનો માટે સબસીડી?
મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત મુજબ રૂા.1.50 લાખ સુધીના ટુવ્હીલર, રૂા.5 લાખ સુધીના થ્રી વ્હીલર અને રૂા.15 હજાર સુધીના ફોર વ્હીલર આ સબસીડીને પાત્ર થશે.

અન્ય રાજયો કરતા ગુજરાતમાં સબસીડી બમણી
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઈ વ્હીકલ માટે કીલોવોટ સબસીડી આપવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. અન્ય રાજયમાં આ સબસીડી પ્રતિ કીલોવોટ વધુમાં વધુ રૂા.5 હજાર મળે છે. ગુજરાત રૂા.10 હજાર આપશે.

રોજના રૂા.5 કરોડના પેટ્રોલની બચત: છ લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે
મુખ્યમંત્રીએ નવી પોલીસી જાહેર કરતા કહ્યું કે ગુજરાતમાં પ્રદૂષણ ઘટાડવાને રાજય સરકાર પ્રાથમીકતા આપી રહી છે જેમાં નવી ઈ વાહન પોલીસીથી ચાર વર્ષમાં બે લાખ ઈલેકટ્રીકલ વ્હીકલો ગુજરાતમાં દોડશે જેના કારણે રોજના રૂા.5 કરોડના ઈંધણની બચત થશે. એટલું જ નહી છ લાખ જેટલા કાર્બન ઉત્સર્જન ઘટશે.

રાજયમાં નવા ઉદ્યોગો અને રોજગારને વેગ મળશે
રાજય સરકારે ઈ વ્હીકલ પોલીસીમાં નવા ઉદ્યોગોને આવકારવાની નીતિ બનાવી છે જેમાં આ પ્રકારના વાહનોનું ઉત્પાદન માટે ગુજરાત હબ બનશે ઉપરાંત બેટરી નિર્માણમાં પણ ગુજરાતમાં ઉદ્યોગો આવે તેની ચિંતા કરાશે. ઈ વ્હીકલ વેચાણ, ધીરાણ, ચાર્જીંગ, સબસીડી અને ડ્રાઈવીંગ ટ્રેનીંગ આ તમામમાં પણ રોજગારી વધશે.

આ સમાચારને શેર કરો