Placeholder canvas

ચિંતાજનક સમાચાર: સુરેન્દ્રનગરમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ, પાટણમાં વધુ ત્રણ દર્દી રી-પોઝિટિવ

શુક્રવારનો દિવસ રાજ્ય માટે બે આંચકા સમાન સમાચાર લઈને આવ્યો છે. અત્યાર સુધી રાજ્યના કુલ 33માંથી 29 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હવે તેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો ઉમેરો થયો છે. અહીં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બીજી તરફ પાટણથી આંચકા સમાન ન્યૂઝ સામે આવ્યા છે. અહીં સતત બીજા દિવસે સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેવા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે છેલ્લા બે દિવસમાં પાંચ કેસમાં આવું થયું છે. નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ ફરીથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવું રાજ્યમાં ફક્ત પાટણમાં જોવા મળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયો છે. જે બાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. જિલ્લાના થાનગઢમાં રહેતા 62 વર્ષીય ટ્રક ડ્રાઇવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેને સુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદ શહેરની હોવાનું માલુમ પડ્યું છે. 22મી તારીખે આ દર્દી હૉસ્પિટલમાં દાખલ થયો હતો, જે બાદમાં 23મીએ તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે એટલે કે 24મી એપ્રિલે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીમાં કોરોનાના કોઈ જ લક્ષણ હયાત નથી, તેમજ તેને અન્ય કોઈ બીમારી નથી.

ટ્રક ડ્રાઇવર બોટાદમાં તબલીગી જમાતના લોકોના સંપર્કમાં આવ્યાની માહિતી મળી રહી છે. જે બાદમાં તે ટ્રક લઈને બોટાદથી સુરેન્દ્રનગર આવ્યો હતો. પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે દર્દી જ્યાં રહે છે તે થાનગઢમાં ધામા નાખ્યા છે. ટ્રક ડ્રાઇવરના પરિવારને હોમ ક્વોરન્ટી કરી દેવામાં આવ્યો છે.

પાટણમાં નેગેટિવ દર્દીઓ રી-પોઝિટિવ થયા

રાજ્યમાં રી-પોઝિટિવનો પાટણ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. અહીં સતત બીજા દિવસ આ સીલસીલો ચાલુ રહ્યો છે. પ્રથમ દિવસે બે બાદ આજે વધુ ત્રણ દર્દીઓ નેગેટિવમાંથી પોઝિટિવ થયા છે. એટલે કે સારવાર બાદ આ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ફરીથી તપાસ કરતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા વધી છે. સારવાર બાદ આવા દર્દીઓને ફેસિલિટી ક્વોરન્ટીન રાખવામાં આવ્યા હતા. જેમાંથી 11નો રિપોર્ટ કરવામાં આવતા તેમાંથી પાંચનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પાટણ જિલ્લામાં કોરોનાના 17 પોઝિટિવ કેસ

પાટણ જિલ્લામાં શુક્રવારે બે પોઝિટિવ કેસ નોંધાયા છે. તે સાથે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 17 થઈ છે. કોરોનાને પગલે પાટણમાં એક મોત નોંધાયું છે. શુક્રવારે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામની 65 વર્ષીય મહિલા અને સિદ્ધપુર તાલુકાના ઉમરુ ગામના 50 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સમાચારને શેર કરો