બેટર કોટન એન્ડ એગ્રી પ્રોડ્યુસર કંપનીની પાંચમી વાર્ષિક સાધારણ સભા મળી
વાંકાનેર આગાખાન સંસ્થા દ્વારા ચાલી રહીલ બેટર કોટન એન્ડ એગ્રી પ્રોડ્યુસર કંપનીની પાંચમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવેલ હતું. આ મિટિંગમાં કંપનીમાં જોડાયેલા અલગ-અલગ ગામના ૨૫૦ જેટલા સભાસદોએ હાજરી આપેલી હતી.આ મિટિંગમાં ખેડૂતોને ઉદ્દેશીનેે પ્રોડયુસર કંપની ના ડાયરેક્ટર અને મેનેજર મકબુલભાઈ સિપાઈ દ્વારા કંપનીમાં ચાલતી વહીવટી કામગીરી અને પ્રોડયુસર કંપની નું ભવિષ્યનું આયોજન વિશે ખેડૂતોને સમજણ આપવામાં આવેલી હતી.
આગાખાન સંસ્થામાંથી ઉપસ્થિત વિઠ્ઠલભાઈ કકાણીયા દ્વારા કંપનીના ઉદ્દેશો અને આવી પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂતોને કેવા પ્રકારના ફાયદા થઈ શકે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલી હતી. આ ઉપરાંત આગાખાન સંસ્થા ના એરિયા મેનેજર સુનિતાબેન દ્વારા ખેડૂતોને પ્રોડ્યુસર કંપની માં જોડાઈ રહેવા અને આવનારા સમયમાં સહયોગ આપવા વિનંતી કરી હતી.
આ વાર્ષિક સભામાં ખાસ ઉપસ્થિત રહેલ કૃષિ નિષ્ણાંત ગનીભાઇ પટેલ દ્વારા હાલની પરિસ્થિતિ પ્રમાણે ખેતીમાં આવતી સમસ્યા ખાસ કરીને રોગ અને જીવાત અને બદલાતા વાતાવરણ પ્રમાણે કપાસમાં કઈ રીતે માવજત કરી શકાય તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી. ખેડૂતોને સંગઠિત થઈ ખેતીના ખર્ચાઓ ઘટે તથા ઉત્પાદન વધે તે અંગે સંગઠનનું મહત્વ સમજાવી ખેડૂતોને ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું હતું. હાજર સભ્યોમાં આગાખાન સંસ્થા માંથી એરીયા મેનેજર સુનિતાબેન, પ્રોગ્રામ મેનેજર વિઠ્ઠલભાઈ કકાણીયા, આશિષભાઈ જોશી, આરીફભાઈ કડીવાર, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી બેંક મેનેજર હિરેનભાઈ મકવાણા, ઉપરાંત અલગ અલગ ચેનલમાંથી આવેલા આગાખાન સંસ્થા સ્ટાફ અને ખેડૂતોએ ખાસ હાજરી આપી હતી.