Placeholder canvas

દશ દિવસમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય આવી જશે: યુવરાજસિંહનો દાવો

ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. સરકારના પ્રતિનિધી સાથે મુલાકાત કર્યા પછી પરીક્ષાર્થીઓના આગેવાન યુવરાજ સિંહ જાડેજાએ દાવો કર્યો છે કે પરીક્ષા રદ થશે. જોકે આ સમયે બીજા પરીક્ષાર્થીઓએ લોલીપોપ-લોપીપોપ કહીને યુવરાજના વિરોધમાં પણ નારા લાગ્યા હતા. વિરોધના નારા લાગ્યા પછી સ્પષ્ટતા કરવી પડી હતી કે ગૃહમંત્રીએ આપણો દાવો સ્વિકાર્યો છે. 10 દિવસમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય આવી જશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

પરીક્ષાર્થીઓનું આ આંદોલન બિનરાજકીય છે ત્યારે ગુરુવારે હાર્દિક પટેલ પણ અહીં આવી પહોંચ્યો હતો. હાર્દિક હાલ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હોવાથી ઘટનાસ્થળે પરીક્ષાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો. હાર્દિકના વિરોધ સાથે પરીક્ષાર્થીઓએ હાર્દિક ગો બેકના નારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન એક પરીક્ષાર્થીએ હાર્દિક પટેલનો ઉધડો લીધો હતો.

રાજકોટની એક પરીક્ષાર્થીએ હાર્દિક પટેલની હાજરીનો વિરોધ કરતા હાર્દિક પટેલ સામે જ બાળાપો કાઢતા કહ્યું કે, “વિદ્યાર્થી તરીકે આપણે તમામે લડવાનું છે. અહીં ભાજપ-કૉંગ્રેસ હોવું જ ન જોઈએ. હું રાજકોટની છું. અમે મહેનત કરી છે એટલે અહીં આવ્યા છીએ. અહીં એક પણ પક્ષ ન હોવો જોઈએ. તમને (હાર્દિક પટેલ) ખબર જ હતી કે અહીં શું થઈ રહ્યું છે, તમારે અહીં રાત્રે આવવાની જરૂરી હતી અત્યારે નહીં. ગમે તે થાય લડી જ લેવું છે.”

આ સમાચારને શેર કરો