કુવાડવા ગામે કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો

કુવાડવા ગામ નજીકથી ગઈકાલે સવારના સુમારે કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.કુવાડવા ગામથી ગુંદા તરફ જવાના રસ્તે એક મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની કુવાડવાના સરપંચ સંજયભાઇને જાણ થતાં તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસમાં જાણ કરતા કુવાડવા પોલીસ તેમજ એફએસએલની ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી.મહિલાને મૃતદેહ પર ઇજાના નિશાન હતા.તેમજ હાલ તેના મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાયું હતું.આ મામલે કુવાડવા પોલીસે મહિલાની ઓળખ મેળવી તેના પતિની પૂછપરછ આદરી છે.

આ બનાવની વધુ વિગતો અનુસાર, કુવાડવા ગામની સીમમાંથી મહિલાની લાશની પોલીસે તપાસ કરતા મૃતક મહિલા મંજુબેન ભરતભાઇ વસાવા(ઉ.વ.43)હોવાનું જાણવા મળ્યું હતું.તે નજીકમાં જ તેના પતિ સાથે ભાગિયું રાખી વાવવાનું કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે તેના પતિ ભરતને સ્થળ પર બોલાવતા ભરતે મૃતદેહને ઓળખી બતાવ્યો હતો.મંજુબેન અને તેના પતિ ભરતભાઈ કુવાડવામાં જ દેવસીભાઈને વાડીએ એક વર્ષથી મજૂરીકામ કરે છે.અને ચાર દિવસ પહેલા લાકડા ભરવાની ગાડી ભાડે રાખવા ગામમાં ગયા હતા.

ભરતની પ્રાથમિક પૂછપરછમાં પત્ની મંજુ ચાર દિવસથી ગુમ હતી.શોધખોળ કરવા છતાં તેનો કોઈ પતો મળ્યો નહોતો અને પરિવારજનોમાં પણ તપાસ કરી હતી.ત્યારે તેની લાશ મળી આવી હતી.મૂળ રાજપીપળાની મંજુબેનને સંતાન નથી.પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી પોસ્ટમોર્ટમ કરાયું હતું.ફોરેન્સિક રિપોર્ટ પ્રાથમીક જાણવા મળ્યું હતું કે,મૃતકને કોઇ બોથડ પદાર્થ અથવા પથ્થરના ઘા ઝીંકાયા છે જોકે મૃતદેહ રોડની સાઈડ પરથી મળ્યો હોય પોલીસે મંજુબેનનું અકસ્માતમાં મોત થયું હોવાનું અનુમાન લગાવ્યું છે.

મંજુબેન અને તેના પતિ ભરત વચ્ચે અવારનવાર ગૃહકલેશ થતો હોવાની પણ પોલીસને માહિતી મળી હતી.ત્યારે પત્ની ચાર દિવસથી લાપતા હોવા છતાં પતિ ભરત વસાવાએ ગુમ થયા અંગેની પોલીસમાં જાણ કરી ન હોય બનાવ હત્યાનો હોવાની દૃઢ શંકા છે.જેથી શંકાના દાયરામાં રહેલા મૃતકના પતિ ભરત વસાવાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.આ બનાવ અંગે કુવાડવાના પીઆઇએન.એન.ચુડાસમા,પીએસઆઈ મેઘલાતર સહિતના સ્ટાફે હત્યા તેમજ અકસ્માતની દિશામાં તપાસ આદરી છે.

આ સમાચારને શેર કરો