skip to content

ભાદરવામાં એલી..! પાક નિષ્ફળ: ખેડૂત ચિંતાતૂર

વરસાદનું હેત એટલું બધું વધી ગયું છે કે જેના કારણે આજે ખેડૂત ચહેરા ઉપર ચિંતાના વાદળો છવાઈ ગયા છે…!! કેમકે ખેડૂતે પોતાના ખેતર કે વાડીમાં વાવેલ પાક નિષ્ફળતાના કાંઠે આવીને ઊભો છે. જેથી ખેડૂત ચિંતાતૂર બન્યો છે.

ભદરવામાં એલી:- પહેલા તો વરસાદ થયો જ નહીં અને એમની માટે લોકો વરસાદ વરસાદ પોકારતા થયા અને વરસાદ આવ્યો તો એવો આવ્યો કે હવે જાવા નું નામ નથી લેતો…!! દર વર્ષે ચોમાસામાં એલી તો થતી હોય છે પરંતુ આ વર્ષે ભાદરવામાં એલી જામી છે. (બિન ખેડુત માટે-એલી એટલે સતત, એકધારો અને લાંબો વરસાદ) પરિણામે ખેડૂતોના ખેતરમાં પાકી ગયેલ પાક હવે તેમના હાથમાંથી સરી રહ્યો છે. કાળી મહેનત પછી પણ તેમના હાથમાં કંઈ નો આવે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.

ખેતીના પાકો નિષ્ફળ:- ઘણા બધા ખેડૂતોએ તલી વાઢી અને ઓઘા કરી રાખ્યા છે. તો જુવાર (જાર) તો પહેલેથી જ લગભગ ખતમ થઈ ગઈ છે, સુઈ ગઈ છે. આજ રીતે બાજરી થોડા-ઘણા વાવેલા કઠોળ ની સ્થિતિ પણ પૂરી થયા સમાન છે. જ્યારે હજુ સુધી કપાસમાં ખાસ વાંધો નથી. પરંતુ કપાસને સતત મળેલ પાણીના કારણે ખૂબ ઊંચા થઈ ગયા છે પણ હજુ સુધી તેમાં માલ મતલબ કે જીંડવા ની સંખ્યા ખાસી દેખાતી નથી. કેમકે ભાદરવાના અંત માં આગોતરા વાવેલા કપાસની પહેલી વિણ વીણાતિ હોય છે. ત્યારે આ વર્ષે પહેલી વિણ તો ઠીક નથી વિણાણી પણ પૂરતા પ્રમાણમાં જીંડવા પણ નથી દેખાતા. આમ લગભગ તમામ પાકો નિષ્ફળ જવાના કિનારે ઉભા છે. પરિણામે ખેડૂતોને ભારે વરસાદવાળા વર્ષમાં ભારે નુકસાની સહન કરવાની પરિસ્થિતિ ઊભી થઇ છે.

ખેડુત વિરોધિ માનસ:- સરકારનું માનસ ખેડૂત વિરોધી પુરવાર થઈ ચૂક્યું છે. કેમકે જે લોકોએ વીમાના પ્રીમિયમ ભર્યા છે તેમને પણ વીમો મળતો નથી અને ખેડૂતોને અન્ય રાજ્યોએ ઉભા કરવા માટે સંપૂર્ણ દેવા માફીની સામે કેન્દ્ર સરકારે મજબૂરન થોડી પ્રસાદ ધરી ને ખેડૂતોને રાજી કરવા ના પ્રયત્નો કર્યા છે. એમના થી ખેડૂત બે પાંદડે થઇ ન શકે, જ્યારે હવે આ વર્ષને માત્ર ‘લીલો દુકાળ’ જાહેર કરવાનો બાકી રહ્યો છે. ત્યારે ખેડૂતો શિયાળુ પાકમાં વાવેતર કરી શકે તે માટે તેમને આર્થિક મદદની જરૂરિયાત ઊભી થશે. પરંતુ નમાલી નેતાગીરી, નમાલો અને નબળો વિરોધ પક્ષ અને દાનત હીન સરકાર આ ખેડૂતો સામે કોઈ જોતું નથી, એ જાહેર થઇ ચૂકયું છે. આમ છતાં આ સતત ધૂળ સાથે બાથ ભીડનાર ખેડૂત હજુ પણ સમજતો નથી..!! એ સૌથી મોટી દુઃખની વાત છે.

‘ડિંડકીયા’ નેતાઓ :- વરસાદ આજે રવિવારે પણ રજા રાખે તેવું લાગતું નથી. શનિવારની આખી રાત સતત વરસાદ વરસ્યો છે અને રવિવારની સવારે પણ એકધારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન ટાઢોડું થઈ ગયું છે ત્યારે હવે શું થશે આ પ્રશ્નની ચિંતા કરવા સિવાય ખેડૂત કંઈ કરી શકે તેમ નથી. ત્યારે જો કોઈ ખરેખર ખેડૂતોનું હીત ઈચ્છતા હોય તેમને આગળ આવવું જોઈએ. નહીં કે માત્ર દેખાવો કરવા અને નવરા બેઠેલા પત્રકારો પાસે ફોટા પડાવીને પોતાની વાહવાહિ પબ્લિસિટી કરાવવા માટે..! જો આવા કોઇ ‘ડિંડકીયા’ નેતાઓ ખેડૂતોના વહારે આવવાનું નાટક કરે તો, ખેડૂતોએ હવે તેમની સામે પણ ‘ડંડીકુ’ ઉપાડવું જ પડશે અને એ એકાદું ‘ઠોકવું’પણ પડશે….!!

🔔🔔🔔🔔🔔🔔🔔🔔

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો