ટંકારા: તસ્કરોને પડકારતા પેટ્રોલપંપના માલિકને માર મારી રોકડ અને કારની લૂંટ
By Jayesh Bhatashna (Tankara)
ટંકારા : ટંકારાના હડમતીયા ગામ પાસે વહેલી સવારે ત્રણ બાઇકમાં આવેલા છ શખ્સો દુકાનનું શટર ઉચકાવીને ચોરી કરવાની હિલચાલ કરતા હોવાથી બાજુમાં બની રહેલા નવા પેટ્રોલ પંપના માલિકે આ છ શખ્સોને પડકાર્યા હતા. આથી, વિફરેલા તસ્કરોએ પેટ્રોલ પંપના માલિકને માર મારી રોકડ અને આઈ ટેન ગાડી લૂંટી ફરાર થઈ ગયા હતા. જો કે તસ્કરોએ પોતાના બાઇક ત્યાં જ મૂકીને આઈ ટેન ગાડી લૂંટી નાસી છૂટ્યા હતા. આ બનાવને પગલે ટંકારા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના હડમતીયા ગામ પાસે વહેલી સવારે તસ્કરો ત્રાટકયા હતા. ત્રણ બાઇકમાં આવેલા છ શખ્સોએ હડમતીયા ગામ નજીક આવેલી દુકાનોના શટર ઉચકાવી ચોરીના પ્રયાસ કરી રહ્યા હતા. તે વખતે આ જગ્યાએ નવો પેટ્રોપ પંપ બનાવતા કિશોરભાઈને આજે વહેલી સવારે પોતાની આઈ ટેન ગાડીમાં પેટ્રોપ પંપનું કામ જોવા આવ્યા હતા. તે સમયે આ છ શખ્સો કરીયાણાં દુકાનમાં શટર ઉચકાવતા નજરે પડતા પેટ્રોલ પંપના માલિક કિશોરભાઈ તેમને ટપારિયા હતા. આથી, આ છ શખ્સોએ દુકાનોમાં ચોરી કરવાનું માંડી વાળીને પેટ્રોપ પંપના માલિક કિશોરભાઈને પકડી લઈ તેમને માર મારી અંદાજે રૂ. 30 હજાર રોકડા અને આઈ ટેન ગાડીની લૂંટ ચલાવીને અંધારામાં નાસી છૂટ્યા હતા. જો કે આ તસ્કરોએ પોતાની સાથે લાવેલા બાઇકો પણ ઘટના સ્થળે મૂકી ગયા હતા. આ બાઇકો પણ ચોરીના હોવાનું પ્રાથમિક તારણ છે. ત્યારે વહેલી સવારે પેટ્રોપ પંપના માલિકને લૂંટી લીધા હોવાની જાણ થતાં ટંકારા મહિલા પીએસઆઇ ગોંડલીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.