ટંકારા: સરકારી દવાખાનાનું ડૉકટર માંગે છે, સરકાર એની દવા કરે.
જો સરકારે દવાખાનાની સ્થિતિ ન સુધારી તો ચૂંટણીમાં જનતા કડવી દવા આપી દેશે…
By જયેશ ભટાસણા (ટંકારા)
ટંકારા : એક લાખથી વધુ વસતી ધરાવતા ટંકારા તાલુકાના એક માત્ર સામુહિક આરોગ્ય કેન્દ્રમા મુખ્ય અધિક્ષક એમડી સહિત વર્ષોથી અનેક મહત્વની જગ્યાઓ ખાલી પડી છે. કોરોનાના બીજો તબક્કામાં સારવારની સુવિધાનો અભાવ અને અપુરતા સ્ટાફને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અને આ દવાખાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી પણ ખરાબ હાલતમાં બિસ્માર છે. જેના કારણે કોરોનાના બીજા કપરા દોરમા તાલુકાના લગભગ 500થી વધુ લોકો સારવારની દોડાદોડીમા મોતને ભેટયા હતા.
હજુ ત્રીજી લહેરનો ભય છે. માંદગીના બિછાને પડેલા ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રની દવા કરવા વિદ્યાર્થી એકતા સંગઠન મેદાને આવ્યા બાદ સમગ્ર હકીકત મિડીયા દ્વારા પ્રકાશિત કરતા કહેવાતા નેતા અને તંત્ર હરકતમાં આવી ગયું છે. અહી ત્રિજી લહેર પુર્વે ઓક્સિજન પ્લાન મંજુર કરી દશ બેડની વ્યવસ્થાની જાહેરાત કરી નાખી. પરંતુ આ પ્લાન્ટ ચલાવશે કોણ? એ સૌથી મોટો સવાલ છે.
આ વચ્ચે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, તેઓએ તાત્કાલિક નિતીન પટેલ સાથે રૂબરૂ મળી ટંકારા ખાલી જગ્યા ભરવા માંગણી કરી હતી ત્યારે આરોગ્ય મંત્રી નિતીન પટેલે સ્ટાફ અછત વચ્ચે આગામી દિવસોમાં યોગ્ય કરવાની ખાત્રી આપી હોવાનુ કગથરાએ ટેલીફોનિક વાતમાં જણાવ્યું હતું. પરંતુ શુ બિસ્માર દવાખાને ડોક્ટર ફાળવણી ત્રિજી લહેર પહેલા થશે કે કેમ તે આગામી સમયમાં ખ્યાલ આવશે.
વર્ષો પહેલાંની વસતિ ને ધ્યાનમાં રાખી બનાવેલ મહેકમ અને એમા ધટ આ પ્રમાણે છે. MD ડોક્ટર, એક્સ રે ટેક્નિશિયન સહિત અનેક જગ્યા વર્ષોથી ખાલી. ટંકારા સિવિલમા મૂળ મંજુર થયેલી મહેકમમા એમડી ડોક્ટર જગ્યા-1, એમબીબીએસ તબીબ-3, દાંતના ડોક્ટર-1, ફિજીયોથેરાપિસ્ટ-1, હેડ કલાર્ક-1, જુનીયર ફાર્માસિસ્ટ-1, એકસ રે ટેકનિસીયન-1, એક્સ રે આસીસ્ટન્ટ-1, લેબ ટેકનિસીયન-1, સ્ટાફ નર્સ-7, ઓફથેલમિક આસીસ્ટન્ટ-1, ડ્રાયવર-1, ડ્રેસર-1, પટાવાળા-1, આયા-1, વોડૅબોય-2, સ્વિપર-1, પાર્ટ ટાઈમ ચોકીદાર-2, પાર્ટ ટાઈમ સ્વિપર-2 મળી કુલ 30 આરોગ્ય કર્મચારીઓનુ મહેકમ હોય જેમા, હાલ વર્ષ 2006થી એમડી ડોક્ટર, વર્ષ 2012થી હેડ કલાર્ક, વર્ષ 2017થી એક્સ રે આસિસ્ટન્ટ, વર્ષ 2019થી સ્ટાફ નર્સ-2 જગ્યા, વર્ષ મે-2020થી ડ્રાયવર અને નવેમ્બર-2020થી એક્સ રે ટેકનિશ્યન સહિત સાત જગ્યાઓ ખાલી પડેલી છે. જેની સામે હેડ કલાર્ક, એક્સ રે આસિસ્ટન્ટ અને સ્ટાફ નર્સની જગ્યા આઉટસોર્સથી ભરી ગાડુ ગબડાવાઈ રહ્યુ છે.