Placeholder canvas

સુરત: નેશનલ હાઇવેમાં પડેલા ખાડાઓને કારણે મોત નીપજતા હાઇવે ઑથોરિટી સામે કેસ!

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ નજીક નેશનલ હાઇવે નંબર-48 પર રસ્તો ખરાબ હોવાથી બાઇક સ્લીપ થતા નીચે પટકાયેલ બાઇક ચાલકના માથા પરથી પાછળથી આવતી ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું.

આ અકસ્માતને લઈ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી આવી નેશનલ હાઇવે જામ કાર દીધો હતો. લગભગ સાડા ત્રણ કલાક સુધી હાઇવે જામ કર્યા બાદ પોલીસ અને હાઇવે ઑથોરિટીના અધિકારીઓની રોડ રિપેરિંગ કરવાની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલકની સાથે સાથે હાઇવે ઑથોરિટીના જવાબદાર અધિકારી અને એજન્સી સામે પણ બેદરકારી પૂર્વક મોત નિપજાવવા બદલ ગુનો નોંધતા ચકચાર મચી ગઇ છે.

ચલથાણના ખોડિયાર નગર ખાતે રહેતો સંતોષસિંગ કેવલભાનસિંગ (ઉ.44) બલેશ્વર ખાતે આવેલ મિલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો. રવિવારે બપોરે ડ્યુટી પરથી બાઇક પર પરત પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર કરણ ગામની સીમમાં રસ્તો ખરાબ હોય તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. તે બાઇક સાથે નીચે પટકાયો હતો.

આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રકનું ટાયર સંતોષના માથા પરથી ફરી વળથા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર આવી ગયા હતા અને રસ્તા પર હોબાળો મચાવી રસ્તો જામ કરી દીધો હતો. રસ્તો ખરાબ હોવાથી થયેલા મોતને કારણે ગ્રામજનોનો ગુસ્સો આસમાને પહોંચતા પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે વાટાઘાટો શરૂ કરી હતી પંરતુ જ્યાં સુધી રોડનું સમારકામ ન થાય અને જવાબદારો સામે પગલાં ન લેવાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો ન કરવાની જીદ પકડી હતી. આખરે હાઇવે ઑથોરિટીના અધિકારીઓએ 24 કલાકમાં રસ્તાનું સમારકામ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ વિકાસસિંગ સુભાષસિંગ રાજપૂતની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક ઉપરાંત ખરાબ રોડ માટે જવાબદાર નેશનલ હાઇવે ઑથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓ, રોડ બનાવનાર એજન્સી અને રોડનું સમારકામ કરતી એજન્સી સામે ગુનો નોંધ્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો