Placeholder canvas

સુપર મુન: ૨૦૨૦ના વર્ષમાં આજે ચન્દ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે.

By નરેન્દ્ર ગોર “સાગર”(સ્ટાર ગેઝીંગ ઇન્ડિયા,કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ)

આજ રોજ તા. ૮ મી એપ્રિલના રોજ ભારતના સુપર મેન હનુમાનજી ની જન્મ જયંતીએ સુપર મુન (વિરાટ ચન્દ્ર) ની ઘટના બનવાની છે ૨૦૨૦ના વર્ષમાં ચન્દ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે. જે બાબતે લોકોમાં કેટલીક શંકા, ઉત્કંઠા તથા જીજ્ઞાસા છે પ્રસ્તુત લેખમાં પ્રશ્નો અને તેના જવાબ દ્વારા ઘટનાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

સુપર મુન એટલે શું?

ચન્દ્ર પૃથ્વીની આસપાસ દિર્ઘ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે. આથી ચન્દ્ર અને પૃથી વચ્ચેનું અંતર હમેશાં એક સરખું રહેતું નથી. ચન્દ્ર પૃથ્વીની નજીક આવે તેને ખગોળની ભાષામાં પેરિજી (નીચ બિંદુ) કહેવાય છે અને જ્યારે તે સૌથી દૂરના બિંદુએ હોય ત્યારે તેને એપિજી (ઉચ્ચ બિંદુ) કહેવામાં આવે છે. ચન્દ્ર 27.3 દિવસમાં પૃથ્વીની પરિક્રમા પુરી કરતો હોઈ દર માસે એક વખત પૃથ્વીની નજીક અને દૂર આવતો હોય છે. જ્યારે કોઈ પદાર્થ આપણી આંખની નજીકના અંતરે હોય ત્યારે તેનું કદ મોટું જણાય છે અને જો તે દૂર હોય તો તેનું કદ નાનું દેખય છે. ચન્દ્ર જ્યારે પૃથ્વીની નજીક હોય તે દિવસે જો પૂનમ હોય તો અન્ય પૂનમના દિવસોએ દેખાતા ચન્દ્ર કરતાં તેનું કદ મોટું દેખાય છે. આ ઘટનાને સુપર મુનની ઘટના કહેવાય છે. અન્ય કોઈ દિવસોએ ચન્દ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે પણ તેનું કદ મોટું દેખાય પરંતુ તે વખતે આપણું ધ્યાન જતું નથી. ચંદ્રનું કદ કેટલું મોટું દેખાશે તેનો આધાર ચન્દ્ર પૃથ્વીથી કેટલો નજીક આવ્યો છે તેના ઉપર રહેલો છે. ચન્દ્ર અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 3,૮૪,૪૦૦ કિ,મી, છે. ૮મી એપ્રિલના સાંજે ૮.૦૦ વાગે ચન્દ્ર પૃથ્વીથી 3,૫૭,૨૧૦ કિ.મી. હશે જે સામાન્ય અંતર કરતાં ૨૭,૧૯૦ કિ,મી, જેટલું નજીક હશે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ઓછામાં ઓછું અંતર તા. ૭ એપ્રિલના રાત્રે ૧૧ વાગીને ૩૮ મીનીટે હતું. તે વખતે આ અંતર 3,૫૬,૯૦૬ કિમી હતું જે આજથી ૩૦૪ કિમી ઓછું હતું. એટલે ટેકનીકલી સુપર મૂનની ઘટના ગઈ કાલે રાત્રે બની ગઈ છે પરંતુ આજે રાત્રે એટલે કે સુર્યાસ્ત બાદ પણ ચંદ્રનું મોટું કાદ જોઈ શકાશે!

સુપર મુનની ઘટના કેવી રીતે નિહાળી શકાય? એ જોવાથી આંખને નુકશાન થાય ખરૂં?

સુપર મુનની ઘટનાને નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય તેના ઉદય અને અસ્તની આસપાસનો સમય છે. પૃથ્વી પરના પદાર્થો જેવા કે ઝાડ, ડુંગર, મકાનો, નદી, સમુદ્રની પૃષ્ઠભૂમિમાં ચન્દ્રને નિહાળવો એ લહાવો હોય છે. એટલે ૮ તારીખે સાંજે સુર્યાસ્ત બાદનો સમય ચન્દ્ર નિરિક્ષણ માટે ઉપયુક્ત સમય ગણી શકાય. સુપર મુનની ઘટના સાથે એક બીજી રસપ્રદ બાબતનો અનુભવ પણ લેવા જેવો છે. દૃષ્ટિભ્રમને કારણે ઉદય થતા કે અસ્ત થતા સુર્ય ચન્દ્ર આપણને તે હોય છે એના કરતાં મોટા કદના દેખાય છે. સુપર મુન વખતે ચન્દ્રનું કદ તો મોટું હશે જ તેની સાથે દૃષ્ટિભ્રમ મળતાં તે ઓર મોટો દેખાશે!!! નરી આંખે સુપરમુનને નિહાળવાથી આંખને કોઈ નુકશાન થતું નથી જેથી એની ચિંતા કરવી નહીં પરંતુ દુરબીન કે ટેલિસ્કોપથી પુનમનો ચન્દ્ર જોતા હોઈએ ત્યારે વધુ સમય એકીટશે ન જોતાં થોડી થોડી વારે આંખોને વિશ્રામ આપવો જોઈએ અથવા યોગ્ય ફિલ્ટર લગાવવા જોઈએ. આમ સાંજના સમયે ચન્દ્રનો ઉદય થાય તે સમય નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આ સાથે આપેલ કોઠામાં ગુજરાત ના વિવિધ સ્થળોના સુર્યાસ્ત અને ચન્દ્રોદયના સમય આપવામાં આવ્યા છે જે અનુસાર વાદળોનું વિજ્ઞ ન નડે તો સુપરમુનની ઘટના સારી રીતે નિહાળી શકાશે.

સુપરમુનને કારણે કોઈ અનિચ્છનિય ઘટના બને ખરી? દરિયામાં સુનામી કે વધુ ભરતી ઓટની શક્યતા ખરી?

સુપર મુન સમયે સુર્ય, પૃથ્વી અને ચન્દ્ર સીધી લીટીમાં આવતા હોવાથી તથા ચન્દ્ર પૃથ્વીની ખુબ નજીક હોવાથી દરિયામાં આવતી ભરતીનું પ્રમાણ થોડું વધારે હશે. સામાન્ય રીતે પુનમ-અમાસના આવતી મોટી ભરતી કરતાં તેનું પ્રમાણ સાધારણ વધારે હશે. આ સિવાય બીજી કોઈ અસર કે નુકશાન સુપરમુનના કારણે થતું નથી. આગાહીકારોની ભયજનક આગાહી કે કોઈ વ્યક્તિ વિશેષ માટે કરવામાં આવતા વરતારા ઉપર ધ્યાન આપ્યા વગર ખગોળીય ઘટનાનો આનંદ લેવો જોઈએ. તા. ૭ એપ્રિલના રોજ ચન્દ્ર પૃથ્વીથી 3,૫૬,૯૦૬ કિ,મી. દૂર હતું જ્યારે તેના બે અઠવાડિયા બાદ એટલેકે ૨૧મી એપ્રિલના ચન્દ્ર સૌથી દૂરના બિંદુએ હશે જ્યાંથી પૃથ્વીનું અંતર ૪,૦૬,૪૬૨ કિ,મી, હશે. સામાન્ય રીતે દર માસે એક વખત ચન્દ્ર પૃથ્વીની નજીક તેમજ દુર આવતો હોય છે પરંતુ ચન્દ્રમાનું નજીક આવવું અને તે સમયે પુનમનું હોવુ એ એક સંયોગ હોઈ લોકોનું ધ્યાન વિશેષ પણે ખેંચાય છે. જેથી કોઈ અફવા ઉપર ધ્યાન આપ્યા વગર આ ઘટનાને માણવી જોઈએ.

હવે પછી આવી ઘટના ક્યારે બનશે?

૨૦૨૦ના વર્ષમાં માર્ચ, એપ્રિલ અને મે ની પૂનમ સુપર મૂન પૂનમ છે તેથી આવતી પૂનમ ના દિવસે પણ સુપર મૂનની ઘટના બનશે. હવે પછી ૮ મી મે ૨૦૨૦ નાં રોજ સુપરમુનની ઘટના બનશે જે દરમિયાન ચન્દ્ર નું અંતર 23મી જુન કરતાં ફક્ત 5 કિ.મી. જેટલો નજીક હશે. સામાન્ય રીતે બે સુપર મુનની વચ્ચે 1 વર્ષ 1 માસ 18 દિવસ જેટલું અંતર હોય છે. આ સાથે આપેલા કોઠામાં વર્ષ 2011થી 2016ની વિગત આપેલ છે જે જોતાં જણાશે કે દર વખતે ચન્દ્રનું પૃથ્વીથી અંતર 3,૫૯,૬૫૪ કિમી હશે. ઈ.સ. 1500થી 2500ના 1000 વર્ષ દરમિયાન 1 જાન્યુઆરી 2157ના દિવસે ચન્દ્ર પૃથ્વીથી 3,56,371 કિ,મી, ના અંતરે હશે જે 1000 વર્ષમાં સૌથી ઓછું અંતર હશે.

આ ઘટનાનું મહત્વ શું ?

આ ઘટના સામાન્ય જનો માટે કુતુહલનો વિષય છે. જ્યારે ખગોળ રસિકો માટે ચન્દ્રનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. ટેલિસ્કોપ ઉપર મુન ફિલ્ટર લગાવી ચન્દ્રના ખાડા (ક્રેટર), પહાડો, મારિયા નું અવલોકન સારી રીતે કરી શકાય છે. તો એસ્ટ્રો ફોટોગ્રાફીના શોખીનો માટે પણ સુંદર દ્રશ્યો કચકડે કંડારવાની સુવર્ણ તક ગણી શકાય.

સુપર મુન નિહાળવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી?

સામાન્ય રીતે સ્થાનિક એસ્ટ્રોનોમી ક્લબ તરફથી આવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ કોવિદ ૧૯ વાયરસ અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કોઈ કાર્યક્રમ રાખવામાં આવેલ નથી ખગોળ રસિક જનતા બહાર નીકળ્યા વગર પોતાના ઘરની છત કે બાલ્કનીમાંથી જ આ ઘટનાનો આનંદ માણી શકાય. ચન્દ્ર દર્શન માટે વિશેષ કોઈ સાવધાનીની આવશ્યક્તા ન હોઈ ખગોળીય ઘટનાનો જાતે જ આનંદ મેળવી પરિવાર સાથે અને ખાસ કરીને બાળકોને વધારાની માહિતી સાથે જ્ઞાન વૃદ્ધિ કરી શકાય. અગાઉ જણાવ્યું તેમ દુરબીન કે ટેલિસ્કોપથી જોતી વખતે લાંબો સમય ચન્દ્રને નિહાળવો નહીં. વધુ માર્ગદર્શન માટે સ્ટાર ગેઝીંગ ઇન્ડિયાનો 9428220472, 9879554770 ઉપર ટેલીફોનીક અથવા વોટ્સઅપ મારફતે માર્ગદર્શન મેળવી શકાય. આપશ્રી નો અનુભવ, ફોટો, પ્રશ્નો અમારી સાથે જરૂર શેર કરશો. – નિશાંત ગોર

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો