Placeholder canvas

હડમતિયામાં અષાઢી બીજ નિમિતે રામદેવપીર મંદિરને રંગરોગાન દ્વારા અદભુત શણગાર

નેજાધારી રામામંડળના યુવાનો દ્વારા આખ્યાન ભજવી તેમજ સમાજના લોકફાળાથી જર્જરિત મંદિરને નવનિયુક્ત બનાવતા ભક્તોમાં હરખની હેલી

By રમેશ ઠાકોર – હડમતીયા
ટંકારા તાલુકાના હડમતિયા ગામે વર્ષો પુરાણા રામદેવપીર મહારાજના મંદિરનો બે વર્ષ પહેલા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પણ રંગરોગાન બાકી હોવાથી દાનની સરવાણી વહેતા આજે અષાઢીબીજના દિવસે મંદિર સંપુર્ણ રંગરોગાન થતાં રામદેવપીર મહારાજે સોળે સણગાર સજતા ભક્તોમાં આનંદની લહેર જોવા મળી હતી.

વર્ષો પુરાણું રામદેવપીરનું મંદિર ભુકંપ સમયે જ જર્જરીત થઈ ગયું હોવાથી ચુંવાળીયા ઠાકોર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમા અન્ય સમાજના દાનની સરવાણી વહેતા મંદિરનો જીર્ણોદ્વાર કરવાનો સંકલ્પ લીધો હતો. આ પહેલા ૧૯૬૭ની સાલમાં પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હડમતિયામાં ઠાકોર સમાજના યુવાનો તેમજ અન્ય જ્ઞાતીના યુવાનો મળી નેજાધારી રામામંડળ બનાવી દાનરુપે રકમ એકઠી કરવા લાગ્યા તેમજ ગામના અન્ય જ્ઞાતીજનોએ અને દાતાઓએ મંદિરનો જીર્ણોદ્વાર કરવા દાનની સરવાણી વહાવતા રામદેવપીર મંદિરનો ગત તા. ૧૧/૭/૨૦૧૯ અષાઢસુદ ૧૦ને ગુરુવારના રોજ વાજતે ગાજતે અબીલ ગુલાલોની છોળો અને હોમ હવન સાથે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો.

ટંકારાના હડમતિયા ગામમાં વર્ષોપુરાણા ચુંવાળીયા ઠાકોર સમાજનું રામદેવપીર મહારાજનું મંદિર આવેલ છે. ગામના વયોવૃદ્ધ વ્યકિતને આ મંદિરના ઈતિહાસ વિશે પુછતા કહેવાય છે કે મોરબી, માળીયા, વાંકાનેર, હળવદના એમ આશરે ૩૬૦ ગામમાં વસતા જુદી જુદી અટકના સવંત 2023 શ્રાવણ વદ 11 ને ગુરૂવાર તા. 31/08/1967 ના રોજ હડમતિયા મુકામે રામદેવપીરની જગ્યા (મંદિર) માટે ઠરાવ કર્યો હતો.

આ મંદિર 360 ગામના ઠાકોર (ચુંવાળીયા કોળી) સમાજના જુદી જુદી અટકના આગેવાનો હાજર રહ્યાના પુરાવારુપે નીચે પ્રમાણે અટક જોવા મળે છે. જેવા કે ખાખરીયા, શિરોહીયા, સુરેલા, સાંથલિયા, બાબરીયા, ઘાટલિયા, મોરતરીયા, ગડેશીયા, પાટડીયા, વરાણીયા, સારલા, ધામેચા, દંતેસરીયા, સિપરીયા, વાઢુકિયા, દારોદરા, દારોદરીયા, રૂદાતલા, શંખેસરીયા, મકવાણા, પરેચા, થરેસા, બગથરીયા, સનુરા, દેત્રોજા, દેગામા, કગથરા, ઝંઝવાડીયા, ડાભી, સિંધાડીયા, પંચાસરા, જોગડીયા, ચુંવાળીયા ઠાકોર સમાજનું આ રામદેવપીર મંદિર આસ્થાના કેન્દ્ર સમાન હતું. પણ સમય જતા ઠાકોર સમાજ ગુરુદ્વારો ભુલતા ફક્ત હડમતિયાના ઠાકોર સમાજે પહેલ કરી કે આ મંદિરનો જીર્ણોદ્વાર થવો જોઈએ.
આ બાબતે આજના અષાઢીબીજના દિવસે ગુરુદ્વારાને ભુલી ગયેલ સમાજના અટક મુજબ ગુરુદ્વારાથી અવગત થાય તેવું હડમતિયા ઠાકોર સમાજના આહવાન દ્વારા જણાવવામાં આવે છે.

આ સમાચારને શેર કરો