ધોરણ 10માં ગ્રેસિંગ માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમા અને પોલિટેકનિકમાં પ્રવેશ મેળવી શકશે
ધોરણ-10મા ગ્રેસીંગ માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30 હજારથી વધુ છે
ગુજરાતમાં ધોરણ 10માં ગ્રેસિંગ માર્ક સાથે પાસ થનાર વિદ્યાર્થીઓનું કોઈ ખાસ ભવિષ્ય નહોતું. ત્યારે આવા અનેક વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ 10માં ગ્રેસિંગ માર્ક્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી બનાવી શકશે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ધોરણ-10માં ફક્ત સારી ટકાવારી વિના પાસ થયા બાદ વધુ અભ્યાસ કે અન્ય ઉચ્ચ ફેકલ્ટીમાં કારકિર્દી બનાવવા માટે પાસીંગ ગ્રેડ આધારિત કોઈ વિકલ્પ ન હતો. આથી દર વર્ષે રાજ્યની ડિપ્લોમા કેલોજોમાં ઘણી બેઠકો ખાલી પડતી હતી. આ વર્ષે ધોરણ-10માં પાસીંગ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકશે. રાજ્યના શિક્ષણ વિભાગના આ નિર્ણયથી ડિપ્લોમા કોલેજોની બેઠકો ખાલી નહીં રહે અને આ વિદ્યાર્થીઓ પણ પોતાની શૈક્ષણિક કારકિર્દી આગળ ધપાવી શકશે.
જીતુ વાઘાણીએ કહ્યું કે ધોરણ-10માં ગ્રેસીંગ માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા 30 હજારથી વધુ છે અને સામે ડિપ્લોમાં કોલેજોમાં એટલી જ બેઠકો ખાલી પડી છે. પોલીટેકનીકમાં આ વિદ્યાર્થીઓ આગળ જઈ શકે અને પોતાનું ભવિષ્ય બનાવી શકે એ માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યના શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી ધોરણ-10માં ગ્રેસીંગ માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ પણ પોલીટેકનીક કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે.
માસ પ્રમોશનના નિર્ણય બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની લાયકાતને લઈને વિસંગતતા ઊભી થતાં અનેક બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા પ્રવેશ માટે 35 ટકા અને રાજ્ય સરકાર દ્વારા ગ્રેસિંગ વિના 35 ટકા માર્ક્સ હોવા જોઈએ તેવો નિયમ કરવામાં આવ્યો છે. આ નિયમમાં સુધારો ન કરવામાં આવે તો અનેક બેઠકો ખાલી પડે અને વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થાય તેમ હતી. રાજ્યની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોના સંચાલકોનું કહેવું છે કે, માસ પ્રમોશન પછી પણ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જોઈએ તેવો ધસારો નથી. જેથી હવે સરકારે ગ્રેસિંગ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરી છે