ન્યાયતંત્ર સામેના ગંભીર આક્ષેપો મામલે સંજીવ ભટ્ટે હાઈકોર્ટની માફી માંગી
જામનગર જિલ્લાના આશરે 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજાના હુકમ સામે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ એ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ અપીલમાં ન્યાયતંત્ર સામે કરવામાં આવેલા આક્ષેપોને લઈને રોષે ભરાયેલા હાઇકોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ અપીલ કરતા સંજીવ ભટ્ટની આકરી ટીકા કરી હતી. બીજી તરફ, સંજીવ ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી 26 લાખ ઉઘરાવવા મામલે મેટ્રો કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે પોલીસ તપાસનાં આદેશ આપતાં પૂર્વ આઈપીએસની તકલીફોમાં વધારો થયો છે.
આખરે અપીલ કરતાં અને અપીલમાંથી આક્ષેપો કાઢી નાખવા અને સુધારો કરવાની હાઇકોર્ટે મંજૂરી આપી હતી. તેની સાથે આ અંગે અપીલ કરતા કોર્ટની સામે ખેદ પણ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે આ બાબતને રેકોર્ડ લઈને વધુ સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત કરી છે.
જામનગરમાં જામખંભાળિયામાં 1990માં થયેલા રાઇટિંગના ગુનામાં પકડાયેલા આરોપીને બેરહેમીથી માર માર્યો અને આરોપી કસ્ટડીમાંથી છૂટતા થોડા જ સમયમાં મૃત્યુ પામ્યો હતો. આથી સંજીવ ભટ્ટ ઉપર કસ્ટોડિયલ ડેથનો કેસ થયો હતો. આ કેસ ચાલી જતા સેશન્સ કોર્ટે આરોપી સંજીવ ભટ્ટ સહિત બે જણાને 10 વર્ષની સજા ફટકારી હતી. આ હુકમ સામે સંજીવ ભટ્ટ તથા પી.આઈ. પ્રવિણસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. મંગળવારની સુનાવણી દરમિયાન સરકાર તરફથી અપીલમાં ન્યાયતંત્ર સામે કરેલા આક્ષેપો પરત્વે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. આ રજૂઆતને સાંભળીને ખફા થયેલા હાઇકોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ પૂછ્યું હતું કે આ કોણે લખ્યું છે, ન્યાયતંત્ર સામે આવું લખવાની હિંમત કેવી રીતે થઈ, જેને લખ્યું હોય તેમને સામે આવવા માટે નિર્દેશ કર્યો હતો. તેથી અપીલ કરતા તરફથી સિનિયર કાઉન્સિલર હાજર થયા હતા તેમણે ન્યાયતંત્રની સામે થયેલા આક્ષેપોને રદ કરીને અપીલમાં સુધારો કરવા કોર્ટની પરવાનગી માંગી હતી તથા દિલગિરી પણ વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયા મારફતે 26 લાખ ઉઘરાવવા મામલે સંજીવ ભટ્ટ સામે ઇન્કવાયરીના આદેશ
બીજી તરફ, પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સામે સોશિયલ મિડીયા મારફતે 26 લાખ રૂપિયા ઉઘરાવા મામલે મેટ્રોકોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક સુનાવણી બાદ અને ફરિયાદીનું વેરીફિકેશન લીધા બાદ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ સીઆરપીસીની કલમ 202 મુજબ પોલીસ ઇન્કવાયરીનો આદેશ કર્યો છે.
આ ઉપરાંત કોર્ટે પોલીસને આ મામલે તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેષ આપ્યો છે. આ ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, સંજીવ ભટ્ટે ખોટી સાઇટો બનાવી ફરિયાદ સહિતના અન્ય લોકો સાથે વિશ્વાસઘાત કરી માતબર રકમ ખાતામાં ટ્રાન્સફર કરી છે. જે આશરે 2થી 2.50 કરોડ સુધી છે ત્યારે તપાસનો આદેશ કરવો યોગ્ય છે. નોંધનીય છે કે, 22મી નવેમ્બરના રોજ રાજ્ય પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી દસ્તાવે રજૂ કર્યા હતા. પરંતુ આ મામલે કોઇ જ ઉકેલ ન આવતા છેવટે ન્યાય મેળવવા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં રહેતા અમીત બળદેવભાઇ સોલંકીએ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સામે મેટ્રોકોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સંજીવ ભટ્ટે પોતાના ટ્વીટર એકાઉન્ટ અને ફેસબુક ઉપર ઇન્ડિયનસ ફાઇ ફોર જસ્ટીસ(IFFJ)ના નામે નાણાંકીય મદદની માંગણી કરી રહ્યાં છે. જેમાં પોતાને અને પરિવારને ખાનગી ગાર્ડ રાખવા, કોર્ટોમાં કેસો લડવા, જર્જરીત મકાન રિપેર કરાવવા અને ઘરખર્ચ ચલાવવા માટે નાણાંની જરૂરીયાત હોવાનું જણાવી રહ્યાં છે. અત્યાર સુધી 26 લાખ રૂપિય સંજીવ ભટ્ટે IFFJના નામે ઉઘરાવ્યા છે. જોકે, ભટ્ટને ખરેખર નાણાંકીય જરૂરીયાત કોઇ જ નથી. લોકો પાસે ખોટી લાગણી ઊભી કરવા માટે સોશિયલ મીડિયાનો દુરઉપયોગ કરી રહ્યાં છે. સંજીવ ભટ્ટને સુપ્રિમ કોર્ટે જુઠ્ઠા, બનાવટ કરનાર અને વિશ્વાસલાયક નહીં હોવાનું ઠરાવ્યા હતા. એટલું જ નહીં ગોધરાકાંડમાં સાક્ષી નહીં હોવા છતા પોતાની જાતને સાક્ષી તરીકે તેમણે દર્શાવ્યા હતા.
ફરિયાદએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, સંજીવ ભટ્ટનો પરિવાર જે બંગલામાં રહે છે તેની કિંમત જ 15થી 20 કરોડની છે. ઉપરાંત ઘરની નજીક બીજો બંગલો આવેલો છે જેની કિંમત 30થી 40 કરોડ છે, ગાંધીનગર નજીક 10 કરોડનું ફાર્મહાઉસ સહિતની મિલકતો આવેલી છે. એટલું જ નહીં ભટ્ટે નોકરી દરમિયાન ભ્રષ્ટાચાર આચરી માતબર રકમ બનાવી છે. તેમની પત્ની કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં પણ ફંડરૂપે માતબર રકમ તેમણે ઉઘરાવી હતી. આમ IFFJના નામે નાણાં ઉઘરાવી બ્લેકના પૈસા વ્હાઇટ કરી રહ્યાં છે. કેરળના નામે પણ ટ્વીટ કરી ત્યાંથી તેમણે સરકાર પાસે પૈસા ઉઘરાવ્યા હતા.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…