Placeholder canvas

સોમવારથી ધાર્મિક સ્થળો ખુલશે, ઉત્સવો પર પ્રતિબંધ

રાજકોટ સહિત ગુજરાત રાજ્યભરમાં સોમવાર એટલે કે 8 જૂનથી અનલોક-1 અંતર્ગત વધુ છૂટછાટ આપવામાં આવશે જેમાં મંદિર-મસ્જીદ-ચર્ચમાં શ્રધ્ધાળુઓને દર્શન કરવાની પરવાનગી આપવામાં આવશે પરંતુ દર્શન માટે ટોકન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવે તે ઉપરાંત વિવિધ જરુરી સૂચનાઓ સંદર્ભે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ સહિત રાજ્યભરનાં સુપ્રસિધ્ધ મંદિર, મસ્જીદ અને ચર્ચનાં સંતો-મહંતો, મૌલવીઓ અને ફાધરો સાથે ચર્ચા કરી હતી. સાથોસાથ રાજ્ય સરકારની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

રાજકોટ સહિત ગુજરાત રાજ્યભરનાં સુપ્રસિધ્ધ મંદિરોના સંતો મહંતો તદુપરાંત મસ્જીદ-દરગાહના મૌલવીઓ અને ચર્ચના ફાધરો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સોમવારથી ધાર્મિક સ્થળો ખોલવા મુદ્દે વીડિયો કોન્ફરન્સ કરી હતી. રાજકોટનાં સુપ્રસિધ્ધ વીરપુર મંદિરના ભરતભાઈ ઉપરાંત રાજકોટ શહેરનાં મંદિર મસ્જીદનાં ર્સંતો-મહંતો-મૌલવીઓ અને ચર્ચના ફાધરો આ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતાં.

મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મંદિર-દેરાસર સહિતનાં તમામ ધાર્મિક સ્થાનોને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અને કેટલાક નિયમોને આધીન રહીને દર્શન માટે ખુલ્લા મુકવા જે ચર્ચા કરવામાં આવી હતી તેમાં દરેક ધાર્મિક સ્થાનોમાં શ્રધ્ધાળુઓ માટે દર્શન માટે ટોકન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવે તેવું સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ધાર્મિક સ્થાનોના સંતો-મહંતો-મૌલવીઓ અને ફાધરો સાથે કરેલી ચર્ચામાં એવું સૂચવ્યું હતું કે દર્શનાર્થીઓએ ધાર્મિક સ્થાનમાં પ્રવેશ વખતે માસ્ક બે વખત હાથ ધોવા, છ ફૂટનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, પોતાના બૂટ-ચંપલ વાહનમાં જ રાખવા અથવા તો ધાર્મિક સ્થાનો જે સ્થળ નક્કી કરે તે સ્થાને થેલીમાં પેક કરીને મૂકવા, ધાર્મિક સ્થાનોની અંદર તેમજ બહાર સરકારની ગાઈડલાઈન જે જાહેર કરવામાં આવી છે તેના પોસ્ટર મુકવા, ધાર્મિક સ્થાનોમાં આરતી તેમજ સમૂહ નમાઝ અને પ્રાર્થનામાં શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં ન આવે, ઘંટારવ નહીં, પ્રસાદ વિતરણ પણ નહીં કરવાની સૂચના આપવામા આવી છે આ ઉપરાંત ધાર્મિક સ્થળોમાં જળ નહીં ચડાવવું, પુષ્પમાળા, પ્રસાદ ધરાવવાની પણ મનાઈ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ધાર્મિક સ્થાનો સોમવારથી ખોલવા મુદ્દે કરેલી વીડિયો કોન્ફરન્સમાં એક મહત્વની સૂચના એવી પણ આપી હતી કે કોઇપણ ધાર્મિક સ્થળમાં 65 વર્ષથી ઉપરની વ્યક્તિ તેમજ 10 વર્ષથી નીચેની વ્યક્તિ સાથોસાથ સગર્ભા મહિલાઓ બને ત્યાં સુધી ન આવે તેવી સૂચના આપવી જરુરી છે અને જો આવી વ્યક્તિ આવે તો તેમની વિશેષ આરોગ્ય તપાસ કરવામાં આવે.

સાથોસાથ તમામ શ્રધ્ધાળુઓની ધાર્મિક સ્થાનના મુખ્ય પ્રવેશદ્વારે થર્મલ ગનથી તપાસ કરવી અને જો તાવ કે કોરોનાના લક્ષણ જણાય તો આવી વ્યકિત્તને તરત જ સારવાર માટે ખસેડી દેવાની સૂચના આપવામાં આવી છે. ધાર્મિક સ્થાનોમાં વેન્ટીલેટર ફરજીયાત રાખવાનું સાથોસાથ જો એરકન્ડીશન હોય તો 24 થી 30 ડીગ્રીની વચ્ચે ચાલુ કરવું, સાથોસાથ ધાર્મિક સ્થાનોમાં દર્શનાર્થીઓના પ્રવેશ માટે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે છ ફૂટના અંતર રાખીને ગોળ રાઉન્ડ કરવા પણ તમામ ધાર્મિક સ્થાનોના વડાઓને જણાવાયું છે.

દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ તમામ ધાર્મિક સ્થાનોમાં જૂન-જુલાઈ માસના અંત સુધી કોઇ ઉત્સવ કે મેળાવડા નહીં કરવાની પણ ખાસ સૂચના આપી છે. મંદિરમાં ભીડ ન થાય, ટોકન સિસ્ટમથી દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવે આ દર્શનાર્થીઓ દર્શન કરી લે ત્યારબાદ બહાર નીકળે ત્યારબાદ જ બીજી 20 વ્યક્તિઓને ધાર્મિક સ્થાનમાં પ્રવેશ આપવો તે સહિતની અનેક સૂચનાઓ ધાર્મિક સ્થાનના વડાઓને આપી હતી. જુલાઈ માસનાં અંત બાદ ધાર્મિક સ્થાનોને વધુ છૂટછાટ આપવી કે કેમ તે મુદ્દે પાછળથી ગાઈડલાઈન નક્કી થયે નવી સૂચના આપવામાં આવશે તેવું અંતમાં જણાવાયું હતું.

ધાર્મિક સ્થાનમાં પ્રવેશ માટે શ્રધ્ધાળુઓ માટેના નિયમો

  • ધાર્મિક સ્થાનમાં પ્રવેશ માટે ટોકન સિસ્ટમ
  • એકસાથે 20-20 વ્યક્તિઓને પ્રવેશ
  • દરેક શ્રધ્ધાળુઓને માસ્ક ફરજીયાત
  • શ્રધ્ધાળુઓ વચ્ચે છ ફૂટનું અંતર
  • ધાર્મિક સ્થાનમાં ઘંટારવ નહીં
  • ધાર્મિક સ્થાનમાં આરતી, પ્રસાદ, જળ ચડાવવું, પુષ્પ-બીલી ચડાવવા પર પ્રતિબંધ
  • 30 જુલાઈ સુધી તમામ ધાર્મિક સ્થાનોમાં ઉત્સવ-મેળાવડાને મનાઈ
  • 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નીચેનાં તેમજ સગર્ભાને બને ત્યાં સુધી પ્રવેશ નહીં
  • આવી વ્યક્તિઓ ધાર્મિક સ્થાનમાં પ્રવેશ પૂર્વે વિશેષ આરોગ્ય તપાસ
  • બૂટ-ચપ્પલ બને ત્યાં સુધી વાહનમાં રાખવા અથવા ધાર્મિક સ્થાનોએ નક્કી કરેલા સ્થળોએ કોથળીમાં રાખવા
  • ધાર્મિક સ્થાનની બહાર તેમજ અંદર સરકારી ગાઈડલાઈન દર્શાવતા પોસ્ટર મૂકવા ફરજીયાત
  • ધાર્મિક સ્થાનમાં પ્રવેશ પૂર્વે બે વખત હાથ ધોવા, સેનીટાઈઝ ફરજીયાત

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો