સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ: ગુજરાતમાં 10 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ વધુ વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી ચાર દિવસ માટે ભાવનગર, ભરૂચ, સુરત, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાડ, દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદ સંબંધે ડિઝાસ્ટર પ્રીપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડિપ્લોય કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ રાજ્યમાં NDRFની 9 ટીમો તહેનાત છે.

આ વિસ્તારોમાં જળબંબાકાર થઈ શકે
રાજ્યમાં તારીખ 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ, પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદ લાવે તેવી ત્રણ જુદી જુદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી ચાર દિવસ દરમિયાન રાજયના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને આઠમી અને નવમી જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદ પડવાની શકયતાઓ છે. વલસાડ, નવસારી, કચ્છ, જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો