Placeholder canvas

મોરબી જિલ્લામાં કોરોનાનો પુન:હ પ્રવેશ: હળવદમાં 60 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ

હજુ બે દિવસ પૂર્વે ટંકારાના કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપતા ગુજરાતમાં એકમાત્ર મોરબી જિલ્લો એવો હતો કે જે જિલ્લામાં એક પણ કોરોના નો પોઝિટિવ કેસે એક્ટિવ નહોતો. પરંતુ હળવદમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હવે ગુજરાતમાં એક પણ જિલ્લો કોરોના મુક્ત નથી.

હળવદ : હળવદ શહેરમાં આજે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.જેમાં વિરમગામથી પરત આવેલા 60 વર્ષના વૃદ્ધનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે માસ સેમ્પલ લેવાયા હતા જેમાં આ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રએ સઘન કામગીરી હાથ ધરી છે.

હળવદ દંતેશ્ર્વર દરવાજા વિસ્તારમાં રહેતા મહંમદ હુશેન અબ્દુલ લતીફ સુમરા (ઉ.વ. 60) વર્ષના વૃદ્ધનો આજે કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.આથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ગઈકાલે માસ સેમ્પલ લેવાયા હતા. જેમાં હળવદના આ વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જોકે તેઓ ગત તા. 23 મેના રોજ એક દિવસ માટે વિરમગામ ગયા હતા. આ વૃદ્ધ કોના કોના સંપર્કમાં આવ્યા હતા. તે અંગે આરોગ્ય તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે. હળવદ તાલુકો લોકોડાઉનમાં કોરોનાથી મુક્ત રહ્યો હતો અને હવે હળવદમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો છે. ત્યારે તંત્રને સાવચેતીના પગલાં ભરવાની સાથે લોકોને પણ આ મહામારી વધુ ન ફેલાય તે માટે તકેદારી રાખવી જરૂરી છે.

હજુ બે દિવસ પહેલા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનો એકમાત્ર એક્ટિવ કેસ રિકવર થયો હતો અને મોરબી જિલ્લો ફરી કોરના મુક્ત બન્યો હતો. ફરી પાછા 2 દિવસમાં મોરબી જિલ્લામાં હવે કોરોનાનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને તકેદારીના પગલાં લેવામા આવી રહ્યા છે.

હળવદના દન્તેશ્વર વિસ્તારમાં આજે પ્રથમ કોરોનાનો કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.જેમાં ડીવાયએસપી રાધિકા ભારાઇ સહિતના અધિકારીઓ તેમજ મોરબી જિલ્લા આરોગ્યની ટીમે દોડી જઈને સઘન કામગીરી હાથ ધરી છે.તેમજ હળવદ પાલિકા દ્વારા હળવદના દન્તેશ્વર વિસ્તારમાં પાલિકા દ્વારા સેનિટાઈઝેશન કરાયું હતું અને હાલ કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરવાની કવાયત આદરી છે.

આ સમાચારને શેર કરો