રાજકોટ: રામનાથપરા પુલ પાસે ‘ફુલબજાર’ બનશે.

રાજકોટ: મહાપાલિકાના વર્તમાન શાસનની ટર્મ સોમવારે પુરી થઇ રહી છે ત્યારે બે-ત્રણ દિવસમાં મળનારી સ્ટે.કમીટીની અંતિમ મીટીંગમાં પ્રાથમિક સુવિધા જેવા કામો સહિતની દરખાસ્તો કમિશ્નરે મોકલી છે. ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષ સ્થાને વર્તમાન ટર્મની આ અંતિમ મીટીંગ બની રહેેશે.

જુદા જુદા કામો સહિતની દરખાસ્તો મોકલનાર કમિશ્નર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે મહાપાલિકા દ્વારા જુદી જુદી આયોજનબઘ્ધ માર્કેટની જેમ જ ફલાવર માર્કેટ બનાવવા બજેટમાં જોગવાઇ રાખવામાં આવેલી છે. તે પ્રમાણે ફુલ બજાર બનાવવાનું આયોજન કરીને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પ0 લાખના ખર્ચે આ શાકમાર્કેટ જેવી જ ફુલ માર્કેટ બનાવવામાં આવશે અને તેમાં ધંધાર્થીઓને થડા ફાળવવામાં આવશે.

હાલ કેસરી પુલના છેડે પારેવડી ચોકમાં રોજ સવારે ફુલબજાર ભરાઇ છે અને પુરા શહેરમાં હરાજીથી આ માલ પહોંચે છે. રાત્રે પણ અહીં ઘણા ફુલના ધંધાર્થીઓ બેસે છે. પરંતુ આ માર્કેટ રોડ પર ભરાતી હોય, ફલાવર માર્કેટ બનાવવા અગાઉ પણ બજેટમાં જોગવાઇઓ કરવામાં આવતી હતી. હવે આ કામના ટેન્ડર બહાર પડયા બાદ જરૂરી પ્રક્રિયા પુરી કરીને સ્ટે.કમીટીમાં કામ આપવા દરખાસ્ત મોકલવામાં આવી છે. આ આયોજન પૂર્ણ થાય એટલે રાજકોટને ફુલ બજારની પણ ભેટ મળવાની છે.

રામનાથપરામાં પુલના છેડે મહાપાલિકાનો ઢોર ડબ્બો આવેલો છે. વર્ષો જુના આ ડબ્બાની જગ્યા ખાલી કરવામાં આવી છે. આ જગ્યાએ ફલાવર માર્કેટના બાંધકામની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ સાથે જ ગાંડીવેલ દુર કરવાનું મશીન ખરીદવા, નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા સહિતની દરખાસ્તો પણ કમિશ્નરે સ્ટે.કમીટીને મોકલી આપી છે. એકાદ બે દિવસમાં જ મીટીંગનો એજન્ડા બહાર પડે તેવી શકયતા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •