રાજકોટ: કિશોરી પર સાવકા બાપે દુષ્કર્મ ગુજાર્યુ…

રાજકોટ: શહેરની ભાગોળે આવેલા નવાગામમાં એક જઘન્ય અપરાધનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી 16 વર્ષની કિશોરી પર સાવકા બાપે દુષ્કર્મ ગુજારી તેણીને ચાર માસનો ગર્ભ રાખી દીધો હતો. કિશોરીને નિદાન માટે લઈ જતાં તેણી ગર્ભવતી હોવાનું માલુમ પડયું હતું. બાદમાં આ અમાનવીય કૃત્યની હકિકત સામે આવી હતી. સાવકો પિતા કિશોરી પર છેલ્લા બે વર્ષથી દુષ્કર્મ આચરતો હતો અને તેનો ભાંડાફોડ ન થાય તે માટે તેણીને તથા તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. બનાવના પગલે ત્રણ સંતાનના પિતા એવા આ નરાધમ પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે. બનાવ અંગે સગીરાની માતાની ફરિયાદ પરથી પોલીસે નેપાળી શખ્સ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

દુષ્કર્મની આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ નવાગામમાં રહેતી 40 વર્ષીય મૂળ એમપીની વતની મહિલાએ મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ જેરામ બુજાવનભાઇ ચૌધરી નામના નેપાળી શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની 16 વર્ષની પુત્રી પર તેના જ સાવકા પિતાએ છેલ્લા બે વર્ષ દરમિયાન દુષ્કર્મ આચરી તેણીને ચાર માસનો ગર્ભ રાખી દીધો હતો. આરોપીએ પોતાનો ભાંડો ન ફૂટે તે માટે તેણીને તથા તેની માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ગત તા.11/3ના કિશોરીની તબીયત ઠીક ન હોય તેની માતા નજીકના દવાખાને લઇ જતા તેણીને ચાર માસનો ગર્ભ હોવાનું માલુમ પડયું હતું. બાદમાં તેને આ બાબતે પુછતા સગીરાએ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે તેનો સાવકો પિતા જેરામ ચૌધરી છેલ્લા બે વર્ષથી તેનું શારીરીક શોષણ કરતો હતો અને વાત કોઇને કહીશ તો તને તથા તારી માતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. બનાવ અંગે કિશોરીની માતાની ફરિયાદ પરથી મહિલા પોલીસે નેપાળી શખ્સ જેરામ ચૌધરી સામે આઇપીસીની કલમ 376(1),(એફ)(જે)(એન) 506(2) અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ મહિલા પીએસઆઇ એ.જે.લાઠીયા ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો