રાજકોટ: મધ્યસ્થ જેલમાં ફરી પાછો મોબાઈલ મળ્યો
રાજકોટ: શહેરની સેન્ટ્રલ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ વારંવાર ઝડપાઇ રહી છે.થોડા સમય પૂર્વે જ જેલમાં દડાનો ધા કરી મોબાઈલ અને તંબાકુ સહિતની વસ્તુઓનો ઘા કરનાર એક શખ્સ ઝડપાયો હતો. ત્યારે જેલમાં ફરી મોબાઈલ મળી આવ્યો છે. રાત્રિના ચેકીંગ દરમિયાન બેરેકમાં પાણી સ્ટેન્ડ પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો.આ મામલે અજાણ્યા કેદી સામે પોલીસે ગુનો નોંધી અહીં આ મોબાઈલ કેવી રીતે પહોંચ્યો તેને પહોંચાડવામાં જેલમાં કોઈ સ્ટાફની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે પોલીસ તપાસ ચલાવી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મધ્યસ્થ જેલમાં જેલર ગ્રુપ 2 તરીકે ફરજ બજાવનાર એમ.એમ.ચૌહાણ દ્વારા પ્ર. નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તા 13/1 ના તેઓ તેમની ફરજ પર હતા દરમિયાન જેલ અધિક્ષકની સૂચનાથી રાત્રિના જેલમાં ચેકીંગ કર્યું હતું.જેલની તમામ યાર્ડ અને બેરેકની જડતી લેતા નવી જેલ 2 યાર્ડ ન. 3 મા રહેલા કેદીઓની અંગ જડતી લેતા તેમજ બિસ્તરાઓની જડતી લેતા બેરેક ન. 3 ની પાણીના સ્ટેન્ડ પાસેથી બારી ઉપરથી ઝડતી લેતા એક કાળા કલરનો નોકિયા કંપનીનો સીમકાર્ડ સાથેનો મોબાઈલ મળી આવ્યો હતો.
આ મોબાઈલ એફ.એસ.એલ મા મોકલી આપ્યો છે. બાદમા આ મામલે જેલર દ્વારા પ્ર. નગર પોલીસ મથકમાં ફરિયાદ કરવમાં આવતા પોલીસે આ મામલે અજાણ્યા કેદી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોબાઇલ ફોન જેલમાં ઘુસાડવામાં કોઈ જેલ કર્મચારી કે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ ? મોબાઇલ ફોનથી કોઈ અનઅધિકૃત રીતે ઉપયોગ કર્યો છે કે કેમ? સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.