રાજકોટ:કિસાનપરામાં જન્માષ્ટમીમાં યુવાનને તેમના બનેવીએ જ ઝેરી દારૂ પીવડાવી પતાવી દીધાનું ખુલ્યું..!
રાજકોટ: પાંચ મહિના પહેલા જન્માષ્ટમીની મોડી રાતે કિસાનપરામાં રહેતાં ઓમ પંજાબી એન્ડ ચાઇનીઝ નામે વેપાર કરતાં દેવુભા રમેશભાઇ સાકરીયા(ઉ.વ.26)નામના કારડીયા રાજપૂત યુવાનને તેના બનેવી સહિતના શખ્સો બેભાન હાલતમાં ઘરે મુકી ગયા હતાં.બીજા દિવસે તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો. આ યુવાને વધુ પડતો દારૂ પી લેતાં તેનું મોત થયાનું જે તે વખતે તેના બનેવીએ કહ્યું હતું. પણ પરિવારજનોને મૃત્યુ શંકાસ્પદ જણાતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયુ હતું.
તેનો વિશેરા નો રિપોર્ટ આવતાં ચકચાર જાગી છે. દેવુભાનું મોત ઝેરથી થયાનું ખુલતાં એ-ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં વિગતો સામે આવી છે. દેવુભાને તેના જ સગા બનેવી અશ્વિન ડોડીયા સહિતે દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા કર્યાનું ખુલ્યું છે. દેવુભા તેના પિતાની મિલ્કતનો એકમાત્ર વારસદાર હતો પરંતુ તેના મોત પછી મિલ્કતોનો માલિક પોતે બની જાય તે માટે તેના બનેવી અશ્વિને સાળાની હત્યા કર્યાનું તપાસ માં ખુલ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સાતમ- આઠમના તહેવારો વખતે 24/8/19ના જન્માષ્ટમીની રાત્રે કિસાનપરામાં રહેતાં અને કિસાનપરાથી અન્ડરબ્રિજ તરફ જતાં રોડ પર ખોડિયાર વોટર સપ્લાય અને ઓમ પંજાબી-ચાઇનીઝ ફૂડ નામે ધંધો કરતાં દેવુભા રમેશભાઇ સાકરીયા (ઉ.26) નામના રાજપૂત યુવાનનું રહસ્યમય મોત નિપજ્યું હતું.મોડી રાત્રે ચારેક શખ્સો તેને બેભાન હાલતમાં તેને હોટેલ પાસે મુકીને જતાં રહ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલો હતો પરંતુ ત્યાં તેણે રાત્રે દમ તોડી દીધો હતો. તે વખતે મૃતહેદનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરી વિસેરા લઇ ફોરેન્સિક લેબમાં તપાસાર્થે મોકલાયા હતાં. જેનો રિપોર્ટ આવતાં તેમાં દારૂ સાથે ડાયોકલોરવોસ નામના ઓર્ગેનો નોન-થાયો ફોસ્ફરસ નામના રાસાયણિક પ્રકારનું ઝેર દારૂમાં ભેળવ્યું હોવાનું સામે આવતાં આ બનાવ હત્યાનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
એ-ડિવીઝન પોલીસ અને ડિ-સ્ટાફે હત્યાનો ભોગ બનેલા યુવાન દેવુભા સાકરીયાના પિતા રમેશભાઇ થોભણભાઇ સાકરીયા(ઉ.વ.65)ની ફરિયાદ પરથી તેના જ સગા જમાઇ અશ્વિન રાઘવજીભાઇ ડોડીયા(રહે. રજપૂતપરા મેઇન રોડ),તેના મિત્રો નરેશ ઉર્ફ પોલીયો નરસીભાઇ સરવૈયા (રહે. ભવાનીનગર-2, રામનાથપરા પાસે) તથા અમિત ભીખાભાઇ ગુંદરી (ચોૈહાણ) સામે કાવત્રુ ઘડી હત્યા નિપજાવવાનો અને હત્યાનો ભોગ બનનારના ખિસ્સામાંથી 90 હજારની રોકડ કાઢી લેવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.