Placeholder canvas

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ: આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ…

નવસારી જળબંબાકાર
રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે અતિભારે વરસાદના પરિણામે નવસારી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિમાં કુલ 1059 નાગરિકનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. આ આશ્રયસ્થાનોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેડિકલ ટીમ તથા ભોજન સહિતની પૂરતી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી . આશ્રયસ્થાનોમાં આશ્રિતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે વહીવટીતંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

નવસારી શહેર સહિત જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે. નવસારીમાં 11 ઇંચથી વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બનતાં જનજીવન ઠપ થયું છે. શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતાં અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. મોડી રાતે અચાનક પાણી આવી જતાં લોકો પોતાનો કીમતી સામાન મૂકીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર થયા હતા. નવસારીના જૂનાથાના નજીક નવા મોહલ્લામાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. વિસ્તારનાં 110 ઘરોમાં કેડસમા પાણી ભરાઇ ગયાં હોવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ હતી. કાવેરી નદીના જળસ્તર વધતાં તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.

આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના સર્જાઈ રહી છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધુપડતી છે. આવનારા સમયમાં સૌરાષ્ટ્ર પર પણ વરસાદની મેઘમહેર વરસી શકે છે.

આ સમાચારને શેર કરો