અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય! ચોથી ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી
ન જાને આ વર્ષે વરસાદ શું ભાળી ગયો છે કે જવાનું નામ નથી લેતો..! હજુ તો કમોમસમી વરસાદના કમરતોડ મારથી ખેડૂતો બેઠો પણ નથી થયો ત્યાં ફરીથી રાજ્ય માથે કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરે આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાત-મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે.
લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાના કારણે પવનની ગતિ તેજ થઈ છે. તેવામાં હવામાન વિભાગની ચેતવણી છે કે માછીમારાઓ દરિયો ન ખેડવો. દરમિયાન ગઈ કાલની સાંજે આહવામાં વરસાદ પડયો હટ ડાંગમાં અડધો કલાક વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોની મૂંજવણમાં વધારો થયો છે.
શિયાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. ચોથી તારીખે આ સિસ્ટમ આગળ વધતા ગુજરાતની નજીક પહોંચશે અને તેના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડયો હતો,
એક તરફ કમોસમી વરસાદના રાહત પેકેજ અને વીમા કંપનીઓની ધીમી કામગીરીથી ખેડૂતો પીડાઈ રહ્યા છે, તેવામાં જો ફરીથી કમોસમી વરસાદ વરસે તો જગતના તાતના હાલ બેહાલ થઈ જશે. જે ખેડૂતોએ રવિ પાકની વાવણીની તૈયારી કરી છે તેઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.