પેટ્રોલ-ડીઝલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટયા પણ મોદી સરકારે ભાવ વધાર્યા…
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ 3 રુપિયા પ્રતિ લીટર વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સઉદી અરબ, ઈરાન અને રશિયા વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતોને લઈને ચાલી રહેલી લડાઈને પગલે ક્રૂડની કિંમતોમાં ઘટાડો આવ્યો છે, પરંતુ તેનો ફાયદો ભારતના સામાન્ય નાગરિકોને મળવો મુશ્કેલ જોવા મળી રહ્યો છે.
ગત સોમવારે બ્રેંટ ક્રૂડની કિંમતો ઘટીને 31.13 ડોલર પ્રતિ બૈરલ પર આવી ગયા હતા. જે આ વર્ષની શરૂઆતમાં 64 ડોલર પ્રતિ બેરલ હતા. આ ઘટાડામાં બાદ પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘણી વધારે છે. કિંમતોની સરખામણી કરીએ તો, ક્રૂડ હવે મિનરલ વૉટર કરતા પણ સસ્તુ થઈ ગયું છે. એક બૈરલમાં 159 લીટર ક્રૂડ ઓઈલ હોય છે. આ પ્રકારે 1 લીટર ક્રૂડ ઓઈલની કિંમત અંદાજે 13-14 રુપિયામાં પડશે, જ્યારે એક લીટર મિનરલ વૉટરની બોટલ માટે અંદાજે 15 થી 20 રુપિયા આપવા પડે છે.
આમ જોવા જઈએ તો, હવે પેટ્રોલ પર 22.98 રુપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી ચૂકવવી પડશે. એક લીટર પેટ્રોલની કિંમતમાં અડધા રૂપિયા તો ટેક્સના રુપમાં સરકારની તિજોરીમાં જાય છે. જેમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 19.98 રુપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી તરીકે અને ડીઝલ પર 15.83 રુપિયા પ્રતિ લીટર કમાણી કરે છે. સામાન્ય નાગરિકોને પેટ્રોલ માટે જે કિંમત ચૂકવવી પડે છે, તેમાં એક્સાઈઝ ડ્યૂટી અને વેટ ઉપરાંત ડીલરનું કમિશન પણ સામેલ હોય છે. સામાન્ય રીતે ડીલરનું કમિશન 3.55 રુપિયા પ્રતિલીટર સુધી હોય છે.
આ અંગે એક્સપર્ટોનું માનવું છે કે, આ નિર્ણયથી અર્થ વ્યવસ્થામાં આવેલી મંદીનો સામનો કરી રહેલી સરકારને વધારાનું ધન એકત્રિત કરવામાં મદદ મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોમાં આવેલા ઘટાડાના કારણે સરકાર માટે આ નિર્ણય લેવો શક્ય બન્યું છે.