પેટ્રોલ-ડિઝલના અચ્છે દિન : ચાલુ માસમાં જ 16મી વખત ભાવ વધારો…!
ભાવ વધારો કયાં જઈને અટકશે? : ચાલુ વર્ષ 2021માં પેટ્રોલમાં રૂા.22 તથા ડિઝલમાં રૂા.32 વધી ગયા
પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારાની અસર વધુને વધુ આકરી બની રહી છે.દેશભરમાં પેટ્રોલ-ડીઝલમાં આજે સતત બીજા દિવસે અનુક્રમે 34 પૈસા તથા 38 પૈસાનો ભાવ વધારો થયો છે. ચાલુ વર્ષે 2021 માં અત્યાર સુધીમાં પેટ્રોલમાં 22 રૂપિયા તથા ડીઝલમાં 32 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે. સૌથી ઉંચા ભાવ ધરાવતા રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ 120 રૂપિયા તરફ દોટ મૂકી રહ્યો છે.
સપ્ટેમ્બર-ઓકટોબરમાં અત્યાર સુધીમાં 18મી વખત ભાવ વધારો થયો છે.ડીઝલમાં 20 વખત ભાવ વધ્યા છે.ચાલુ માસમાં માત્ર પાંચ જ દિવસ ભાવમાં કોઈ બદલાવ થયો નથી બાકી 21 માંથી 16 દિવસ કિંમત વધી છે.આ દરમ્યાન પેટ્રોલમાં રૂા.5 આસપાસ તથા ડીઝલમાં 5.50 જેટલો ભાવ વધારો થયો છે.
પેટ્રોલીયમ ચીજોમાં ટેકસ ઘટાડીને રાહત આપવા મામલે સરકારે હાથ ઉંચા જ કરી દીધા છે અને અન્ય વિકલ્પો ચકાસાતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હોવા છતાં રોજેરોજ પેટ્રોલ-ડીઝલ મોંઘા કરીને આમઆદમી પર આર્થિક બોજ ઝીંકાવાનું ચાલુ જ રહ્યું છે. કેન્દ્રીય પેટ્રોલીયમ પ્રધાન હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ કર્યું કે ક્રુડતેલનાં ઉત્પાદનમાં વધારો કરવા સિવાય કોઈ આરોવારો નથી. પેટ્રોલીયમ ચીજો મોંઘી થવાના સંજોગોમાં વિજળી પણ મોંઘી થશે.