કાંતિલાલ જીવતા સમાધી લેશે જ, વિજ્ઞાન જાથાની સમજાવટ નિષ્ફળ!

મોરબીના પીપળીયા ગામે રહેનાર કાંતિલાલ મૂછડીયા દ્વારા કરવામાં આવેલ જીવતા સમાધીની જાહેરાત બાદ મામલો ગરમાયો હતો અને ભારે ચકચાર મચાવનાર આ કિસ્સામાં આખો દિવસ વાતમાં પલટ વાર ચાલુ હતા ત્યારે મોડી રાત્રીના એક વાગ્યે વિજ્ઞાન જાથાની ટીમ અચાનક જ પીપળીયા ગામે કાંતિલાલ મૂછડીયા ના ઘરે આવી પહોંચી હતી અને બેઠક કરી આવો અંધવિશ્વાસ ન ફેલાવવા ચેતવણી આપવામાં આવી હતી. જોકે, પોલીસની અને જાથાની સમજાવટ બાદ પણ કાંતિલાલ મૂછડીયા નિર્ધારિત સમયે સમાધી લેવા માટે મક્કમ છે.

મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ દ્વારા આગામી તા.28ના રોજ સમાધી લેવાની વાતની જાહેરાત અચાનક જ કરવામાં આવતા ભારે તર્ક વિતર્ક સર્જાયા હતા અને આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો હતો ત્યારે કાંતિલાલ દ્વારા પણ સરકાર ની મજુરી ન હોય તો સમાધીનું માંડી વાળી અને બેઠા બેઠા ધ્યાનમાં જ પોતાનો જીવ જશે તેવી આગમવાણી કરી હતી અને આ જ વાત પોલીસને આપેલા નિવેદનમાં પણ કાંતિલાલ દ્વારા નોંધવવામાં આવી હતી જેમાં તંત્ર અને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ એક પ્રાંત અધિકારી અને બે મામલતદાર સહિતની ટીમ આ કાંતિલાલ ને સમજવવા માટે બનાવવામાં આવી છે તો બીજી બાજુ વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા દ્વારા આ બધો ઢોંગ હોવાનો દાવો કરી આ વાત પોકળ હોવાની મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી.

આખો દિવસ ચાલેલા આ ચકચારી પ્રકરણ માં મોઢા તેટલી વાતો કહેવામાં આવી હતી ત્યારે સૌ પ્રથમ પ્રકાશિત કરેલા આ ચોંકાવનારા અહેવાલ માં પીપળીયા ગામના કાંતિલાલ મૂછડીયા ના ઘરે મોડી રાત્રીના એક વાગ્યે વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા અને બ્રાન્ચ ના રુચિર કારીયા ,પીપળીયા ગામના સરપંચ સહિતની ટીમ પહોંચી હતી અને કાંતિલાલ, તેના સમાજના આગેવાનો તેમજ તેના પરિવાર જનો સાથે બેઠક કાંતિલાલ આવું કોઈ પગલું ન ભરે તેવી ચર્ચા કરી હતી અને જો કાંતિલાલ મૂછડીયા આવું કરશે તો વિજ્ઞાનજાથા દ્વારા આગામી તાં 28 ના રોજ ગામે ગામ ગુના નોંધાશે તેમજ જે કાંઈ ઘટના બનશે તેના જવાબદાર કાંતિલાલ પોતે હશે તેવું જણાવ્યું હતું જો કે આ સમયે પણ કાંતિલાલ ટસ ના મસ થયા ન હતા અને પોતે 28 તારીખે મોક્ષ માટે જીવ આપશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવું જણાવ્યું હતું.

જોકે, આ બેઠકમાં વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા દ્વારા કાંતિલાલ ને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો અને આવું બનશે તો તે પોતાની વીજ્ઞાન જાથા બંધ કરી દેશે તેવું વચન આપ્યું હતું ત્યારે સામે કાંતિલાલ દ્વારા પણ આવું નહિ બને તો તે કાયદેસર કાયદાકીય કાર્યવાહી માંથી પસાર થવા તેમજ કોઈ પણ કપરી પરિસ્થિતિ માંથી પસાર થવાનું નિવેદન આપ્યું છે.

હવે પછી પ્રાંત અધિકારી અને મામલતદાર ની ટીમ પણ કાંતિલાલ ને સમજવવા આવવાની છે ત્યારે જો આવું કાંઈ કાન્તિલાલ કરશે તો તેના વિરુદ્ધ આત્મહત્યાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાનું એસપી કરનરાજ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ તો કાંતિલાલ પોતાની જીદ પર અડગ છે ત્યારે આગામી સમયમાં શુ કાંતિલાલ પોતાની જીદ છોડશે કે પછી લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવતા રહેશે એ તો આગામી સમય જ બતાવશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો