રવિવારે દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓનું ભાસ્કરભાઈ પારેખ માર્ગદર્શન આપશે.

રાજકોટ: દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોને લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને લઈને મોટાભાગનાં દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઈ શકતા નથી અને હેરાન થતા હોય છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની ‘પ્રયાસ’ સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે ‘નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર’ છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહયું છે. જેનો અત્યાર સુધીમાં હજજારો દિવ્યાંગોને લાભ મળી ચૂકયો છે. ભાસ્કરભાઈ પારેખ તેમજ આકાંક્ષાબેન સંચાણીયા દિવ્યાંગ બાળકોને પડતી મુશ્કેલી અંગેની નિઃશુલ્ક માહિતી અને માર્ગદર્શન આપી રહયાં છે.

આગામી તા. ૧૫/૦૫/૨૦૨૨, રવીવારનાં રોજ સાંજે ૫-૦૦ થી ૭–૦૦ વાગ્યે મિતલ ખેતાણીનું કાર્યાલય, ‘જનપથ’ ૨–તપોવન સોસાયટીનો ખૂણો, સરાઝા બેકરીની પાસે, હોલીડે પ્લાઝા બીલ્ડીંગની સામે, અક્ષર માર્ગ મેઈન રોડ, રાજકોટ ખાતે દિવ્યાંગ બાળકોના વાલીઓને પડતી મુશ્કેલી અંગેના પ્રશ્નો અંગે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાગુ પડતી વિવિધ સરકારી યોજનાઓ જેવી કે ગાર્ડિયન શીપ, નિરામયા, એસ.ટી. બસ પાસ, રેલવે પાસ, પેન્શન યોજના, સાધન સહાય યોજના, ઈન્કમ ટેક્ષ રાહત વિગેરે દિવ્યાંગોને સરકારશ્રીમાંથી લાભ આપતી યોજનાઓ વિશે ભાસ્કરભાઈ પારેખ તથા દિવ્યાંગ બાળકોના પ્રશ્નો અંગે ઘણા સમયથી કાર્યરત આકાંશાબેન સંચાણીયા નિઃશુલ્ક માર્ગદર્શન આપશે. દિવ્યાંગ બાળકો અંગેના કોઈપણ પ્રશ્ન હોય તો તેની એક યાદી બનાવીને આવવું જેથી તમામ પ્રશ્નનું સ્થળ પર નિરાકરણ થઈ શકે.

આ કાર્યક્રમમાં આવતા વાલીઓએ સાંજે ૪–૩૦ પહેલા સ્થળ પર હાજર થઈ જવું અને રજીસ્ટ્રેશન કરાવી લેવા યાદીમાં જણાવાયું છે. ભાસ્કરભાઈ પારેખ તથા આકાંક્ષાબેન સંચાણીયા દિવ્યાંગો તથા તેમના વાલીઓને મળી રૂબરૂ, નિઃશુલ્ક માર્ગદર્શન આપશે. જેનો લાભ લેવા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના દિવ્યાંગ બાળકો, યુવાન, વડીલો તેમજ તેમના સગા—વ્હાલાઓને જાહેર વિનંતી કરાઈ છે. વિશેષ માહિતી માટે ભાસ્કરભાઈ પારેખ (મો. ૯૪૨૬૩ ૧૭૭૬૩) તથા આંકાક્ષબેન સંચાણીયા (મો. ૭૯૯૦૧૪૧૦૪૩) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો