Placeholder canvas

નવરાત્રીમાં અર્વાચીન રાસોત્સવમાં તબીબો રાખવા સૂચના

રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ-એટેકનાં બનાવ સતત વધી રહ્યા છે. રાજકોટમાં પણ દર મહિને 450 એટલે કે દરરોજ 15 વ્યક્તિને હાર્ટ-એટેક આવતા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, એને લઈ આગામી નવરાત્રિના તહેવારોમાં આવી કોઈ દુર્ઘટના ન બને એ માટે કલેક્ટર પ્રભવ જોશી અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની આગેવાનીમાં ગરબા-આયોજકો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMAના ડૉક્ટરો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અર્વાચીન રાસોત્સવમાં તબીબો રાખવા સૂચના આપવામાં આવી હતી તેમજ જિલ્લામાં AED મશીન સાથે 42 જેટલી 108 ખડેપગે રાખવા સહિતના મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છેઆ અંગે માહિતી આપતાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટમાં પ્રતિ માસ 450 જેટલા હાર્ટ-એટેકના બનાવ સામે આવી રહ્યા છે, એટલે કે સરેરાશ દિવસના 15 જેટલા બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે નવરાત્રિના તહેવારોમાં કોઈ ખેલૈયાઓની સાથે આવી દુર્ઘટના બને નહીં એ માટે ગરબા-આયોજકો અને IMAના તબીબો સાથે ખાસ બેઠક કરવામાં આવી હતી, જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 42 જેટલી 108 ખાસ AED(ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર) મશીન સાથે ખડેપગે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ અર્વાચીન રાસોત્સવ થતા હશે ત્યાં હોટસ્પોટ નક્કી કરી 108 તહેનાત રખાશે, જેથી તાત્કાલિક સ્થળ પર પહોંચી શકે તેમજ IMAના તબીબો પણ નવરાત્રિ દરમિયાન સેવા આપવા તૈયાર થયા છે. આ સાથે જ તમામ આયોજકોને ગરબાના રાઉન્ડ ટૂંકા કરવા જણાવવામાં આવ્યું છે તેમજ ખેલૈયાઓને જંકફૂડ ખાવાનું ટાળવા અપીલ પણ તેમણે કરી હતી.

ભાજપના ડૉકટર સેલના તબીબો પણ ફ્રી સેવા આપશે આ બેઠક બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે ભાજપનાં ડૉકટર સેલના તબીબો પણ નવરાત્રિ આયોજકોને ફ્રી સેવા આપશે. હાર્ટ-એટેકના કેસ અટકાવવા ભાજપ તબીબોને ખડેપગે રાખશે. આ સાથે વધતા હાર્ટ-એટેકના કેસને લઈને અયોજકોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં બધા અર્વાચીન રાસોત્સવમાં તબીબો રાખવા અને ગરબાનાં રાઉન્ડ ટૂંકા રાખવા જણાવાયું છે તો મેડિકલ કોલેજના સ્ટુડન્ટસને પણ નવરાત્રિ ગ્રાઉન્ડમાં ડ્યૂટી ફાળવવા માટેની સિવિલ અધીક્ષક સાથે ચર્ચા કરવામાં આવશે. કોઈપણ રીતે નવરાત્રિમાં હાર્ટ-એટેકથી એકપણ વ્યક્તિનું મોત ન થાય એ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો