મોરબી પાસે લુંટના ઈરાદે માસુમ બાળકની હત્યા
મોરબીના જેતપુર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે મટનના થડા ઉપર બેઠેલ સગીર વયના બાળકને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી નાખવામાં આવી છે. આ બાળક પાસે રહેલ મોબાઈલ અને રોકડ રકમ ત્યાં ઘટના સ્થળે મળી આવેલ ન હોવાથી લૂંટના ઇરાદે માસુમ બાળકની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકાના આધારે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના આ બનાવની જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ છે. હાલમાં હત્યાના આ બનાવમાં થડાના મલિકની ફરિયાદ નોધાવામાં આવી છે.
મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના કાંતિનગર ગામે રહેતા અનવરભાઇ હાજીસિદ્દીક માલકિયાનો મટનનો થડો જેતપુર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ છે જ્યાં ગઈકાલે મોવર સીદીક અબ્બ્સભાઈ નામનો ૧૫ વર્ષનો બાળક બેઠો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્શે તેને માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીંકતા માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું જેથી આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે થડાના માલિક અનવરભાઈ માલકિયાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સોની સામે હત્યાના બનાવનો ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ છે. વધુમાં હત્યાના આ બનાવની તપાસ કરતાં મોરબી તાલુકા પીએસઆઇ એમ.વી.પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અનવરભાઈના ખાડા ઉપર બેઠેલા બાળકની હત્યા કરવામાં આવી છે તેની પાસે મોબાઈલ ફોન અને વેપારના આઠ હાજર જેટલા રૂપિયા હતા જે ઘટના સ્થળેથી મળી આવેલ નથી જેથી કરીને લુંટના ઈરાદે બાળકની હત્યા કરવામાં આવી હોય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે. હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.