ગુજરાતમાં તાપમાનમાં ઘટાડાની સાથે…,ત્રણ દિવસ છે માવઠાની આગાહી

ગુજરાતમાં ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઇ રહી છે. ત્યારે રવિવારે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભેજ અને ગરમીને કારણે લોકલ ફોર્મેશન બન્યું હતું અને જેની અસરના ભાગરૂપે વરસાદી ઝાપટાં પડ્યા હતા. પવનની દિશા બદલાઇ છે. જેની અસર જોવા મળી રહી છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણેક દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે.

ઠંડીનો ચમકારો શરૂ થશે.
હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ છે. તેની સાથે આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

ક્યાં ક્યાં થશે હળવો વરસાદ?
હવામાન ખાતાએ આગાહી કરી છે કે, ઉત્તર પાકિસ્તાન તરફના વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

લોકોએ રાખવી પડશે તકેદારી
શિયાળાની સિઝન શરૂ થતાં જ આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોના અને સ્વાઈનફ્લુ અંગે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. આ વખતના શિયાળામાં આ બંને સંક્રમણ વકરી શકે તેવી દહેશત છે. ગયા વર્ષે પણ દિવાળી પછી કોરોનાના કેસો ઝડપી વધ્યાં હતાં. જેની સંભાવના આ વખતે નકારી શકાય તેમ નથી. જોકે કેન્દ્ર કે રાજ્ય સરકારે હજી સુધી શિયાળાની કોરોનાને લગતી કોઈ ગાઈડલાઈન આપી નથી. નવરાત્રિ પછી રાજ્યના મોટા ભાગના શહેરોમાં શરદી અને કફની ફરિયાદો વધી છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા હાહાકાર મચાવી રહ્યાં છે. હાલમાં સિઝનલ કફ અને શરદીના દર્દીઓ વધી રહ્યાં છે.

આ સમાચારને શેર કરો