લૂંટ,લૂંટને લૂંટ: લીંબુ, મોસંબી અને નારિયેળના ભાવ આસમાને…
કોરોના સંક્રમણના સમયમાં એક તરફ સેવાભાવી સંસ્થાઓ દર્દીઓ અને તેમના પરિવારજનોને મફત ભોજન આપી રહી છે ત્યારે વેપારીઓએ ઉઘાડી લૂંટ ચલાવી છે. કોરોના સંક્રમણથી બચવા માટે જે ફળોની આવશ્યકતા હોય છે તે ફળોની કૃત્રિમ અછત સજીર્ને વેપારીઓએ મ્હોં માગ્યા રૂપિયા પડાવવાનું શરૂ કયુ છે.
ગયા વર્ષે જયારે કોરોના સંક્રમણ થયું ત્યારે મોસંબી ૨૦૦ થી ૩૦૦ રૂપિયે ૧૦ કિલોગ્રામ મળતી હતી પરંતુ આ વર્ષે માંગ વધતાં ૧૦ કિલો મોસંબીનો ભાવ ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયા થયો છે. ૩૦ રૂપિયે ડઝનના ભાવે મળતાં કેળાં અત્યારે ૮૦ રૂપિયે ડઝન થયાં છે. લીંબુના ભાવ પણ કિલોએ ૧૬૦ રૂપિયા થયાં છે. ૩૦ રૂપિયામાં મળતું નાળિયેર અત્યારે ૮૦ રૂપિયામાં મળે છે.
ગુજરાતના મોટા શહેરોમાં ફળોના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. આ વેપારીઓ પર સરકારી તંત્રનો કોઇ કન્ટ્રોલ નથી. એક જ જગ્યાએ બે દુકાનમાં મળતાં ફળોની કિંમત અલગ અલગ જોવા મળે છે. ફળોની તંગી નથી પરંતુ કૃત્રિમરીતે ઓછો માલ સપ્લાય કરીને લોકોને લૂંટવામાં આવે છે. હોસ્પિટલના બિછાને પડેલા દર્દી માટે ડોકટરની સૂચના પ્રમાણે સગાસ્નેહીઓ ફળો લેવા જાય છે ત્યારે તેમને ઉંચા દામ ચૂકવવા પડે છે.
શરીરમાં ઇમ્યુનિટી ટકાવી રાખવા માટે લીંબુ, નાળિયેર પાણી અને મોસંબીને અકસીર માનવામાં આવે છે ત્યારે વેપારીઓએ લૂંટ શરૂ કરી છે. હોલસેલ બજારમાં જે ફળો આવે છે તેની કિંમત કરતાં આ વેપારીઓ ત્રણ ગણી કિંમત વસૂલ કરી રહ્યાં છે.
કોરોનાની મહામારીમાં વિટામીન સી અને હાઇડ્રેઇટ રહેવા માટે લિકિવડ લેવાની સલાહ નિષ્ણાતો દ્રારા અપાતી હોવાથી નારિયેળ અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યાં છે. અમદાવામાં લીંબુ પ્રતિ કિલો ૧૬૦ રૂપિયા તો લીલા નારિયેળ પ્રતિ નગં ૮૦ રૂપિયા પહોંચ્યો છે. આ સાથે સ્વાસ્થ્યવર્ધક ગણાતા ફ્રટસના ભાવમાં પણ તોતિંગ વઘારો જોવા મળી રહ્યો છે.
કોરોના કાળમાં રાજકોટ શહેરમાં વીટામિન–સીથી ભરપુર લીંબુની ધૂમ લેવાલી જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે થયેલા ઉત્પાદન કરતા માગ વધી જતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્ર્ર અને કર્ણાટકથી લીંબુની આયાત કરવામાં આવી રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં કયારેય લીંબુની આટલી મોટી માત્રામાં ડિમાન્ડ જોવા મળી નથી આ એક અભૂતપૂર્વ સ્થિતિ છે.
રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગની હરાજીમાં રૂા.૧૦૦થી રૂા.૧૧૦ના કિલોના ભાવે વેચાતા લીંબુ શહેરની શાક માર્કેટોમાં તેમજ સોસાયટીઓમાં ફરતા શેરી ફેરિયાઓ દ્રારા રૂા.૨૦૦ના કિલોના ભાવે વેચવામાં આવી રહ્યા છે. ઈતિહાસમાં પ્રથમવાર લીંબુની આયાત કરવાની સ્થિતિ સર્જાઈ છે તો બીજીબાજુ અછત અને ભાવ વધારાનો લાભ લેવા અનેક ફેરિયાઓ હવે અન્ય શાકભાજી વેચવાનું બધં કરીને ફકત લીંબુનું જ વેચાણ કરવા લાગ્યા છે.